ગુજરાતે રશિયા સાથે સોર્સ ઓફ રફ ડાયમંડના વિકાસ માટે MOU કર્યાં, હીરાઉદ્યોગને…

ગાંધીનગર– ગુજરાતના મુખ્યપ્રધાન બે દિવસના રશિયાના પ્રવાસે ગયા છે. તેની સાથે ગુજરાતના ઉદ્યોગપતિઓ સાથે ગયા છે. આજે બીજા દિવસે સોર્સ ઓફ રફ ડાયમંડ સેકટરના વિકાસ માટે એમઓયુ પર હસ્તાક્ષર થયાં છે. જેનાથી ગુજરાતના સૂરતના ડાયમંડ ઉદ્યોગના વિકાસને નવો વેગ મળશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ રશિયા પ્રવાસના બીજા દિવસે  ઇન્ડિયા રશિયા કો ઓપરેશન ઈન ધ રશિયન ફાર ઇષ્ટ સેમિનાર દરમ્યાન રશિયાના યાકુટિયા રિજિયનના ગર્વનર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતાં.

આ એમઓયુ અંતર્ગત ગુજરાત રશિયાના આ પ્રાંત વચ્ચે સોર્સ ઓફ રફ ડાયમંડ ક્ષેત્રના વિકાસ અને આપસી સહયોગ સાધવામાં આવશે.

ગુજરાતનું સૂરત દેશ અને દુનિયામાં ડાયમંડ માટે જાણીતું છે. વિશ્વમાં ડાયમંડ કટિંગ અને પોલીશ થતા 10 હીરામાંથી 9 હીરા સૂરતમાં કટિંગ અને પોલીશ થાય છે. હવે સૂરતમાં ડાયમંડ બૂર્સ બની રહ્યું છે. જેથી હવે તેમને મુંબઈ કે એન્ટવર્પ પર આધાર રાખવો પડશે નહી.

આજે રશિયા સાથે રફ ડાયમંડ માટે એમઓયુ થયાં છે, જેનાથી બૂર્સમાં બિઝનેસ કરવો વધુ સરળ બનશે અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝનો ઝડપી વિકાસ થશે.