ફી નિયમન એક્ટના અમલ માટે સુપ્રીમ આજે સરકારને દાદ આપશે?

જરૂરી માર્ગદર્શન અને કેટલીક સ્‍પષ્‍ટતા મેળવવા રાજય સરકારે કરેલી અરજી

ફી નિયમન એક્ટના વર્ષ-ર૦૧૭-૧૮થી જ અમલ અંગે માર્ગદર્શન માટે નામદાર સુપ્રીમ કોર્ટમાં કરાયેલી દાદ

ગાંધીનગર-રાજ્યની સ્‍વનિર્ભર શાળાઓ માટે રાજ્ય સરકારે લાગુ પાડેલ ફી નિયમન એકટ અંગે ૧ ફેબ્રુઆરીના રોજ નામદાર સુપ્રિમ કોર્ટે કરેલા વચગાળાના આદેશના કેટલાક મુદ્દાઓ અંગે  જરૂરી માર્ગદર્શન અને આદેશ મેળવવા બુધવારે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ છે, જે ગુરુવારે મેન્શન થશે.

શિક્ષણપ્રધાન ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્‍યું છે કે રાજ્ય સરકારના ફી  નિયમન અંગેના કાનૂનના અમલ સંદર્ભે તથા જે જૂના કેસ નકકી થઈ ગયાં છે તેના અમલ અંગે પણ રાજ્ય સરકારે નામદાર સુપ્રીમ કોર્ટ પાસેથી સ્‍પષ્‍ટતા અંગે દાદ માગી છે. રાજ્ય સરકાર ફી નિયમન એક્ટનો અમલ વર્ષ-ર૦૧૭-૧૮ના વર્ષની અસરથી થાય તે માટે આગ્રહી હોવાથી તેનો વર્ષ ર૦૧૭-૧૮થી જ અમલ થાય તે માટે સુપ્રીમ કોર્ટની આ એપ્લીકેશન દ્વારા દાદ માગી છે. ઉપરાંત જે કેસ અંગે જે તે સમયે ફી નિર્ધારણ કમિટી  દ્વારા ફી નિર્ધારણ અંગેના આદેશો થઈ ગયા છે તેનો અમલ કરવા બાબતે પણ સુપ્રીમ કોર્ટમાં માર્ગદર્શન મેળવ્‍યું છે.

સુપ્રીમ કોર્ટે તેના વચગાળાના આદેશમાં એવો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે આ આદેશ સંદર્ભે વધુ સ્પષ્ટતાઓ કે જરૂરી માર્ગદર્શન મેળવવા માટે અરજદાર કે પક્ષકારે માત્ર સુપ્રીમ કોર્ટમાં જ રજૂઆત કરવાની રહેશે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે નામદાર સુપ્રીમ કોર્ટમાં જરૂરી માર્ગદર્શન કે સ્પષ્ટતા મેળવવા અરજી કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]