ગ્રામ્ય વિસ્તારના 625 કરોડના વીજ બિલ સંપૂર્ણ માફ કરતી ગુજરાત સરકાર

ગાંધીનગર– ગ્રામ્ય વિસ્તાર માટે લાલ જાજમ બિછાવતાં ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજય સરકારે ઘર વપરાશ, ધંધાકીય તેમ જ ખેતીવાડી હેતુના વીજ જોડાણ ધરાવતા નાગરિકોની લેણી નીકળતી રકમ માટે રાજય સરકારે 625 કરોડથી વધુ રકમની ઐતિહાસિક માફી યોજના જાહેર કરી છે. રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે આ સંદર્ભે જણાવ્‍યું છે કે, રાજ્યના અંદાજે સાડા છ લાખ વીજ ગ્રાહકોને ’’ એક વખતની સંપૂર્ણ માફી યોજના’’ નો લાભ મળશે.

ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણો વાળા વીજ ગ્રાહકો તેમજ હાલના ચાલુ વીજ જોડાણોમાં એક યા બીજા કારણોસર પુરવણી બીલો આપવામાં આવેલા હોય તેવા તમામ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળી શકશે.

માત્ર  રૂા. ૫૦૦/- જેવી તદન નજીવી રકમ ભરપાઇ કરી, વીજ બીલની રકમ તેમજ તેના વ્‍યાજની રકમ ભરપાઇ કરવામાંથી મુકિત મેળવી, નવીન વીજળી જોડાણ મેળવી શકશે. રાજ્યના અંદાજે ૬.૨૨ લાખથી વધુ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે અને લગભગ રૂા. ૬૨૫ કરોડથી વધુ રકમની માફી રાજય સરકાર આપશે.

રાજ્યની ઉત્તર, મધ્‍ય, દક્ષિણ અને પશ્‍ચિમ ગુજરાત વીજ કંપનીના ગ્રામ્‍ય વિસ્‍તારના ઘર વપરાશના બી.પી.એલ. તેમજ નોન બી.પી.એલ. ઉપરાંત ખેતીવાડી અને કોમર્શીયલ વીજ જોડાણો ધરાવતા કુલ 6.22 લાખથી વધુ  ગ્રાહકોને રાજય સરકારની આ એક વખતની સંપૂર્ણ માફી યોજના અંતર્ગત માત્ર રૂા. ૫૦૦ ભરવાથી  તેમના મૂળ બિલની તથા વ્‍યાજની તમામ રકમ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે.

વીજ ગ્રાહકોએ કરારિત વીજભાર કરતાં વધુ વીજભાર જોડેલ હોય કે જેમની સામે જુદા જુદા કારણોસર વીજ ચોરીના કેસ કરવામાં આવેલ હોય તેમજ જે ગ્રાહકો આર્થિક પરિસ્‍થિતિના કારણે કે અન્‍ય કોઇપણ કારણસર વીજ બીલના નાણાં ભરપાઇ કરેલા ન હોય તેવા કલમ ૧૨૬ અને ૧૩૫ હેઠળના ગ્રાહકોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

જે વીજ જોડાણો કાયમી ધોરણે બંધ થઇ ગયા છે. તેવા તમામ ગ્રાહકોને ફરીથી વીજ જોડાણ મળી શકશે. એટલું જ નહી, જેમના વીજ જોડાણો કપાઇ ગયેલા છે તેવા તમામ ગ્રાહકો માટે પણ આ યોજનાનો લાભ ઉપલબ્‍ધ થશે. કાયમી ધોરણે બંધ થયેલા વીજ જોડાણોને ફરીથી ચાલુ કરી આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ યોજનાને પરિણામે પ્રજાજનોને પોતાના નામે વીજ જોડાણો મળશે. ખેડૂતોને તેમનું વીજ જોડાણ પુનઃ સ્‍થાપિત થવાથી ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે સર્જાયેલ અછતના સમયમાં વીજળી પ્રાપ્‍ત થતાં સિંચાઇ સુવિધા મળવાથી ખેત ઉત્‍પાદનમાં વધારો થશે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, ’’એક વખતની સંપૂર્ણ માફી યોજના’’ નો લાભ તા. ૧૮/૧૨/૨૦૧૮ સુધીના નિર્દિષ્‍ટ તમામ પ્રકારના વીજ ગ્રાહકોને આપવામાં આવશે અને આ યોજનાનો અમલ તા. ૧૯/૧૨/૨૦૧૮ થી તા. ૨૮/૨/૨૦૧૯ સુધી એટલે કે બે માસ સુધી ચાલુ રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]