GERC ને અદાણીનું પ્રતિ યુનિટનું ભાડું વધારવા રાજ્ય સરકારનો આદેશ

અમદાવાદઃ ગુજરાત સરકારે ગુજરાત ઈલેકટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને અદાણી પાવરનું પ્રતિ યુનિટનું ભાડુ વધારવા નિર્દેશ કર્યા છે. ગુજરાત ઈલેકટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને ઇલેક્ટ્રિસિટી એકટના સેક્શન-108 અંતર્ગત અદાણીનું પ્રતિ યુનિટનું ભાડું જાન્યુઆરી 2019થી વધારીને 94 પૈસા કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે હજી આ અરજી પર સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમીશને(CERC) અંતિમ ચૂકાદો આપવાનો બાકી છે. પરંતુ ગુજરાત સરકારે આ ચૂકાદો આવ્યાં પહેલા જ ગુજરાત રેગ્યુલેટરી કમિશનની યુનિટનું ભાડું વધારવા આદેશ કર્યો છે. આ આદેશના પગલે રાજયના 1.4 કરોડ ગ્રાહકો પર પ્રતિ મહિને 135 કરોડ રૂપિયાનું ભારણ આવશે.

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ તા.11 એપ્રિલ 2017ના ચુકાદામાં માત્ર સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમીશનને જ આ બાબતે નિર્ણય કરવાની સત્તા આપી હતી. આ આદેશની વિરુદ્ધ જઈને રાજય સરકારે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને અદાણીનું ભાડું વધારવા આદેશ કર્યો હોવાના પગલે સરકારે કોર્ટના હુકમની પણ અવમાનના કરી છે.

ગુજરાત સરકારે આ બાબતે અદાણી પાવરની તરફેણ કરીને તેને નોન પરફોર્મિંગ એસેટમાં જતા અટકાવવામાં પણ મદદ કરી છે. એક રેકોર્ડ મુજબ દેશના 34 પાવર પ્રોજેક્ટસ જેમાં અદાણી પાવર, ટાટા-સીજીપીએલ અને એસાર પાવર લિમિટેડનો સમાવેશ થાય છે, તે હાલ નાણાંકીય કટોકટીમાંથી પસાર થઈ રહ્યાં છે. પરંતુ સરકારે માત્ર અદાણીના પ્રતિ યુનિટના ભાવ વધારવા આદેશ આપ્યો છે. જયારે ટાટા અને એસ્સારના ભાવ વધારા સરકાર ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને કોઈ આદેશ આપ્યો નથી.

રાજય સરકારે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને અદાણી પાવરનું પ્રતિ યુનિટનું ભાડું 94 પૈસા વધારવા આદેશ આપયો હોવાના પગલે રાજયના 1.4 કરોડ ઇલેક્ટ્રિસિટી ગ્રાહકો પર પ્રતિ મહિને 135 કરોડ રૂપિયાનું ભારણ આવશે. જયારે તેમની પર વાર્ષિક 1620 કરોડ રૂપિયાનું ભારણ આવશે. પ્રતિ યુનિટના ભાડામાં 94 પૈસાનો વધારો કરવા બાબતે એનર્જી એક્સપર્ટ કે કે બજાજે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનને ચાર પત્ર લખ્યા હતા. પરંતુ તેમને કમિશને આ બાબતે કોઈ જ જવાબ આપ્યો ન હતો.