આવતે વર્ષે પાણીની તકલીફ ન પડે તે માટે 3310 કરોડની જોગવાઇ થઇ

ગાંધીનગર- આવતા ઉનાળામાં નાગરિકોને પીવાના પાણીની કોઇ જ તકલીફ નહીં પડે. પાણી પુરવઠા માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂા. ૩૩૧૦ કરોડની માતબર જોગવાઇ કરાઇ છે. આ માહિતી વિધાનસભામાં પાણી પુરવઠાપ્રધાન પરબતભાઇ પટેલે આપી હતી.તેમણે જણાવ્યાં પ્રમાણે…

  • આદિજાતિ વિસ્તારોમાં નવી તેમજ પ્રગતિ હેઠળની વિવિધ પીવાના પાણીની યોજનાઓ માટે રૂા. ૧૦૬૫ કરોડ ફાળવાયા.
  • ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પાણી પુરવઠા યોજનાઓ માટે રૂા. ૭૦૩ કરોડની જોગવાઇ.
  • સરદાર સરોવર કેનાલ આધારિત પાણી પુરવઠા યોજનાઓ માટે રૂા. ૬૯૩ કરોડની જોગવાઇ.
  • પાણી પુરવઠાને લગતી ફરીયાદોના નિવારણ માટે ૧૯૧૬ ટોલ ફ્રી નંબર કાર્યરત.
  • ગુજરાત વિધાનસભા ખાતે પાણી પુરવઠા વિભાગની રૂા. ૩૩૧૦.૯૮ કરોડની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર.
  • ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર, પેટા પરા તેમજ આદિજાતિ વિસ્તારોમાં પીવાનું પાણી પુરૂ પાડવા રાજ્ય સરકારે આ વર્ષના અંદાજપત્રમાં ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા આદિજાતી વિસ્તારોમાં પીવાના પાણીની પ્રગતિ હેઠળની તેમજ નવી યોજનાઓ તેમજ ગામમાં આંતરિક વિતરણ વ્યવસ્થા માટે મળી કુલ રૂ. ૧૦૬૫.૫૬  કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે. જે વિભાગની કુલ જોગવાઇનાં ૩૨.૧૭% જેટલી છે.  આ યોજનાઓમાં મુખ્યત્વે દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના ૩૪૩ ગામ અને ૨ શહેરોની ૧૧.૫૧ લાખ વસ્તી માટે નર્મદા રીવર બેઝીન આધારીત પ્રગતિ હેઠળની  રૂ. ૮૯૦ કરોડની દાહોદ દક્ષિણ જુથ પાણી પુરવઠા યોજના, ઉકાઇ જળાશય આધારિત નર્મદા જિલ્લાનાં અને તાપી જિલ્લાના ૨૧૬ ગામોની ૨.૭૪ લાખ વસ્તીનો સમાવેશ કરતી પ્રગતિ હેઠળની રૂ. ૩૦૯ કરોડની સાગબારા ડેડિયાપાડા જુથ પાણી પુરવઠા યોજના, મધુબન જળાશય આધારિત વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાનાં ૧૭૪ ગામોની ૪.૪૫ લાખ વસ્તીનો સમાવેશ કરતી ટેન્ડર સ્ટેજની રૂ.૫૮૬ કરોડની અસ્ટોલ  ભાગ-૧ જુથ પાણી પુરવઠા યોજના, દમણગંગા નદી આધારિત વલસાડ જિલ્લાનાં વાપી તાલુકાનાં ૨૫ ગામો અને ૧૭૦ ફળીયાઓની ૧.૪૯ લાખ વસ્તીનો સમાવેશ કરતી પ્રગતિ હેઠળની  રૂ. ૧૧૬ કરોડની વાપી જુથ પાણી પુરવઠા યોજનાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સરદાર સરોવર કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે રૂ. ૬૯૩.૦૦ કરોડની જોગવાઇ અંદાજપત્રમાં કરાઇ છે.પોરબંદર જીલ્લાના કુતિયાણા અને રાણાવાવ વિસ્તાર માટે રૂ. ૧૧૯ કરોડની  ઉપલેટાથી કુતિયાણા – રાણાવાવ સુધીની નર્મદા બલ્ક પાઈપલાઈનના કામો હાથ ધરાશે. ‘‘વાસ્મો’’ સહાયીત લોકભાગીદારીથી ગ્રામ્ય આંતરીક પાણી પુરવઠા યોજના થકી નળ જોડાણની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ્યસ્તરની પ્રગતિ હેઠળની ૧૫૦૦ જેટલી તેમજ ૨૨૦૦ નવી  ગ્રામ્ય આંતરીક પાણી પુરવઠા યોજનાઓ માટે કુલ રૂ. ૨૫૮.૦૦ કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.