ટાઉન પ્લાનિંગ સ્કીમ સંદર્ભે જાહેર થયાં મોટા નિર્ણય, 425 TP પૂરી કરવા ઝૂંબેશ આદરાશે

ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ટાઉન પ્લાનીંગ કામગીરીને લઇને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ ગઇ. જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયાં છે.બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે પ્રગતિમાં હોય તેવી અંદાજે 425 ટી.પી. સ્કીમ ઝડપથી પૂર્ણ કરવા ઝૂંબેશ ચલાવાશે. વધુ પ્રમાણમાં ટી.પી. સ્કીમની કાર્યવાહી થઇ રહી છે તેવાં અમદાવાદ, વડોદરા, સૂરત, અને રાજકોટમાં ત્વરિત નિર્ણાયકતા માટે વરિષ્ઠ ટાઉન પ્લાનર કક્ષાના અધિકારીની નિયુકિત કરવાનો મહત્વનો નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

ટી.પી. સ્કીમમાં લાંબા સમય સુધી રજૂઆતોને લીધે વિલંબ થાય છે તે અટકાવવા ટાઉન પ્લાનિંગ એકટની જોગવાઇઓ અનુસાર 1 માસ સુધીના જ વાંધાઓ ધ્યાને લેવાશે. આ પછી મળેલા વાંધાસૂચનો કે રજૂઆતો હવેથી ધ્યાને લેવાશે નહીં.

ટી.પી. સ્કીમની જટિલ પ્રક્રિયાઓના સરળીકરણ માટે અને વિવિધ તબક્કે બેવડાતી કામગીરી અકાવવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવ્યો છે. જેને અનુલક્ષી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને મહેસાણાની પ્રાદેશિક કચેરીઓના કર્મચારી મહેકમને તબદિલ કરી રાજ્યકક્ષાએ તેમની સેવાઓ ઉપયોગમાં લેવાશે.

ટાઉન પ્લાનીંગ ડિપાર્ટમેન્ટને વધુ મેનપાવરથી સજ્જ કરવા અને વ્યાપક બનાવવા 70 જુનિયર ટાઉન પ્લાનરની નિમણૂક પ્રક્રિયા ત્વરાએ પૂર્ણ કરવા જણાવાયું હતું. સીધી ભરતીથી નિમણૂક પામેલાં 20 જુનિયર ટાઉન પ્લાનરને તાત્કાલિક નિમણૂક આપી દેવા આદેશ કરાયો હતો.

સીએમએ વિવિધ સત્તાતંત્રોને પણ ત્વરાએ અને ઝડપથી ટી.પી. સ્કીમ ફાઇનલ કરી લેવા ઝૂંબેશરૂપે કાર્યવાહી હાથ ધરવા તાકીદ કરી હતી.