ટુરિસ્ટ સ્પોટ ગીરાધોધ તથા ગીરમાળ ધોધ જશો તો હવે મળશે સુવિધાઓ…

ગાંધીનગર- દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળોમાં ગીરાધોધ અને ગીરમાળ ધોધ જતાં પ્રવાસીઓને હવે પાયાની સુવિધાની અગવડોનો સામનો કરવો નહીં પડે. મુખ્યપ્રધાન વિજય રુપાણી દ્વારા વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં અહીં નવી સુવિધાઓ જનતા માટે ઉપલબ્ધ કરાવી દેવાઈ છે. આ પ્રસંગે જ્યાં માનવી ત્યાં સુવિધાના સૂત્રને ચરિતાર્થ કરવાનું ભગીરથ કાર્ય ઉપાડયુ છે તેમ જણાવી, છેવાડાનો માનવી પણ સ્વમાનભેર આગળ વધે તે માટેના માર્ગ આ રાજ્ય સરકારે ખોલ્યાં છે તેમ જણાવ્યું હતું.

આહવા ખાતે નવી કલેક્ટર કચેરીના લોકાર્પણ બાદ મુખ્ય સ્ટેજ ઉપરથી ગિરિમથક સાપુતારા ખાતે તૈયાર કરાયેલા સ્પોર્ટ્‍સ હોસ્ટેલ અને મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ, તથા આહવા ખાતે તૈયાર કરાયેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિઘાલયનું ડિજિટલી લોકાર્પણ કરાયુ હતું. આ ઉપરાંત ઇકો ટુરિઝમ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ગીરાધોધ અને ગીરમાળ ધોધ ખાતે હાથ ધરાનાર પાયાના વિકાસકામોનું પણ સીએમે ડિજિટલી ખાતમુહૂર્ત કર્યુ હતું.

તેમણે આહવા ખાતે નવી કલેક્ટર કચેરીનું લોકાર્પણ પણ કર્યું હતું. ડાંગના યુવાનોમાં ધરબાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના પ્રયાસના ભાગરૂપે, અહીં સ્પોર્ટ્સ એકેડમી સહિતની તમામ સુવિધાઓ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે અને ગરીબોના ઉત્કર્ષ માટે પણ કામ થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું.

ડાંગ જિલ્લામાં પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીના સર્જનની રહેલી ઉજળી તકોનો ખ્યાલ આપી, અહીં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળે તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમ પણ જણાવ્યું હતું. ખેલ મહાકુંભ જેવા રમતોત્સવની દીર્ધદ્રષ્ટિને કારણે, આજે ડાંગ જેવા વિસ્તારમાંથી પણ ગુજરાત અને દેશને ગૌરવ અપાવનારા ખેલરત્નો મળી શક્યા છે તેમ જણાવતા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યપ્રધાન ઇશ્વરસિંહ પટેલે, રાજ્યના રમતગીરોએ રમતગમત ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓનો ખ્યાલ આપ્યો હતો. સાપુતારા ખાતે તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ હોસ્ટેલ અને મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનો લાભ લઇને, અન્ય પ્રતિભાશાળી રમતવીરોને પણ તેમની ક્ષમતાનો વિકાસ કરવાની તક સાંપડશે.

સીએમનું સ્વાગત કરતાં ડાંગ જિલ્લા ભાજપા સંગઠન સહિત આહવા તાલુકા પંચાયત, આહવા ગ્રામ પંચાયત, સાપુતારા હોટલ એસોસિએશન, પ્રયોશા પ્રતિષ્ઠાન સહિતના સંગઠનોએ પુષ્પમાળા અને સ્મૃતિભેટ આપ્યાં હતાં. વિવિધ દાતાઓએ મુખ્યપ્રધાનને કન્યા કેળવણી નિધિના ચેકો પણ અર્પણ કર્યા હતા.ઉપરાંત વન વિભાગ સહિત આદિજાતિ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, અને પુરવઠા વિભાગના જુદા જુદા લાભાર્થીઓને વિવિધ લાભો પણ એનાયત કરવા સાથે, ડાંગ જિલ્લાની વેબસાઇટનું લોન્ચિંગ અને વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યુ હતું.