નબળાં વિદ્યાર્થીઓને હોંશિયાર બનાવવા શરુ થઇ 4 દિવસની ઝૂંબેશ

ફાઈલ ચિત્ર

ગાંધીનગર– વાંચન, લેખન અને ગણિતમાં નબળાં વિદ્યાર્થીઓ માટે ગુરુવારથી સરકાર દ્વારા એક ખાસ કાર્યક્રમની શરુઆત કરવામાં આવી છે. ધોરણ ૬, ૭ અને ૮ના વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત વધુ એક કલાક અને શાળા સમય દરિમયાન બે કલાક ભણાવીને અન્ય વિદ્યાર્થીઓની હરોળમાં લાવવાના રાજ્યવ્યાપી ‘મિશન વિદ્યા’ નો આરંભ થયો છે.

ગુજરાતના ૨૫૦ તાલુકાઓમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતા નબળા વિદ્યાર્થીઓ માટેના ‘મિશન વિદ્યા’ ના નિરિક્ષણ અને ચોકસાઇપૂર્વકના અમલીકરણ માટે ૨૯૨ જેટલા આઇ.એ.એસ., આઇ.પી.એસ. અને આઇ.એફ.એસ. કક્ષાના અધિકારીઓ સહિત પદાધિકારીઓને રાજય સરકાર દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે.

ગુણોત્સવ-૮ના પરિણાામોમાં જણાયું હતું કે ધોરણ ૬-૭-૮ના કુલ ૨૧,૬૮,૨૧૪ વિદ્યાર્થીઓ પૈકી ૧૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ વાંચનમાં, ૧૩ ટકા વિદ્યાર્થીઓ લેખનમાં અને ૧૪ ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળાં જણાયા હતાં. ગુણોત્સવ દરમિયાન ધ્યાનમાં આવેલી આ બાબતને ગંભીરતાથી લઇને આવા નબળા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપીને તેમને અન્ય વિદ્યાર્થીઓની હરોળમાં લાવવા ‘મિશન વિદ્યા’ હાથ ધરાયું છે. ૩૧ ઓગસ્ટ સુધી ‘મિશન વિદ્યા’ અંતર્ગત ઉપરાચાત્મક શિક્ષણ કાર્ય હાથ ધરાશે.

મિશન વિદ્યાની શરુઆતે શિક્ષણપ્રધાન ભૂપેનદ્રસિંહ ચૂડાસમા અને મુખ્ય સચીવ ડૉ.જે.એન.સિંહે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ જિલ્લાના કલેકટરોને ‘મિશન વિદ્યા’ ના અસરકારક અમલીકરણ માટે ધ્યાન રાખવા સૂચનાઓ આપી હતી. સીએમ રૂપાણીએ પણ ૨૨,૦૦૦ કેન્દ્રો પર ઉપસ્થિત રહેલા ૭૦,૦૦૦ જેટલા શિક્ષકો સાથે બાયસેગના માધ્યમથી એકસાથે વાત કરીને ‘મિશન વિદ્યા’ વિશે માર્ગદર્શન આપ્યું હતું. શિક્ષણ વિભાગે વાંચન, લેખન અને ગણનના ઉપચારાત્મક શિક્ષણ માટે જરૂરી સાહિત્ય તૈયાર કર્યું છે. શાળાકક્ષાએ જે તે ધોરણના વર્ગ શિક્ષક દ્વારા વાંચન, લેખન અને ગણનમાં નબળા હોય એવા પ્રિય વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત વધુ એક કલાક ઉપચારાત્મક શિક્ષણ અપાશે. ધોરણ ૩ થી ૫ ના નબળા વિદ્યાર્થીઓને પણ શાળા સમય દરમિયાન બે કલાક ઉપચારાત્મક શિક્ષણ અપાશે.

‘મિશન વિદ્યા’ ના સુવ્યવસ્થિત અમલીકરણ માટે ૨૯૨ જેટલા ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓ ‘ગુણોત્સવ’ની પેટર્ન પ્રમાણે તેમને ફાળવાયેલા જિલ્લાઓ-શાળાઓની મુલાકાત લેશે અને ઉપચારાત્મક શિક્ષણ પ્રક્રિયાનું મુલ્યાંકન કરશે. એટલું જ નહીં આ મિશનના અંતે ધોરણ ૬ થી ૮ની તમામ શાળાઓના બાળકોનું વાંચન, લેખન અને ગણન સંદર્ભે પુન:મૂલ્યાંકન કરાશે.