બિયારણ વિક્રેતાઓ પર તવાઈઃ મોટા વેપારીઓ સાણસામાં, 12 પોલિસ ફરિયાદ

ગાંધીનગર- કાયદાકાનૂનને લઇને આજકાલ સખ્ત મિજાજનો પરિચય કરાવી રહેલી રાજ્ય સરકારે હવે બિયારણ વિક્રેતાઓ પણ તવાઇ બોલાવી છે.  હલકી ગુણવત્તાના કે અનધિકૃત એવા બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી ખેડૂતોને રક્ષણ મળે તે માટે સઘન પગલાં ભરી રાજ્યભરમાં ગુણવત્તા ચકાસણી માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી હોવાની જાણકારી ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપી હતી.

ફાઈલ ચિત્ર

રાજ્યભરમાં ૩૩ જિલ્લાઓમાં સઘન ચકાસણી કરવા કુલ ૩૭ ટીમોની સ્કવોર્ડ દ્વારા બિયારણ, રાસાણિયક ખાતર અને જંતુનાશક દવાઓના મળી ૯૩ ઉત્પાદકો અને ૨૯૨૩ વિક્રેતાઓની સઘન ચકાસણી કરવામાં આવી છે અને શંકાસ્પદ જણાતા ૫૦૯ નમૂનાઓ મેળવી તેને પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. આ ચકાસણી દરમિયાન અંદાજે રૂા. ૮૫૪ લાખની કીંમતનો ૧૦,૧૯૮ ક્વિન્ટલ જથ્થો અટકાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તપાસ દરમિયાન વિવિધ કાયદાના ભંગ બદલ ૧૨૨૪ જેટલા ડીલરોને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.

ચકાસણી ઝુંબેશ દરમિયાન હલકી ગુણવત્તા અને બિન અધિકૃત વેચાણ- ઉત્પાદન સંદર્ભે અને વિવિધ કાયદાના ભંગ બદલ બિયારણના ૭ કિસ્સામાં, રાસાયણિક ખાતરના ૩ કિસ્સામાં અને જંતુનાશક દવાના ૨ કિસ્સા મળી કુલ ૧૨ કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે રાસાયણિક ખાતરના ૧ કિસ્સામાં પોલીસ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે.રાજ્યભરમાં બિયારણના વિક્રેતા એવા કૃતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામના શ્રીનાથજી એગ્રો સેન્ટર, કચ્છ- માંડવી તાલુકાના કોડાઇ ગામના શ્રી હરિ એગ્રો સેન્ટર, વડોદરાના પાદરાની સીયારામ સીડ્સ એન્ડ પેસ્ટીસાઇડ, મોડાસાની ઉમા એગ્રો સીડ્સ, બાયડની જલારામ સીડ્સ કોર્પોરેશન અને મહુધાની કરૂણાસાગર એગ્રો એજન્સી ઉપરાંત બોટાદની બજરંગ એગ્રો એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં  આવી છે. આજ રીતે બિન પ્રમાણિત ખાતરના વેચાણ-ઉત્પાદન સંદર્ભે થરાદની કિસાન એન્ટરપ્રાઇઝ, વરતેજ ભાવનગરની વેસ્ટર્ન ઇન્ડિયા બોન્સ એન્ડ ફર્ટિલાઇઝર ઉપરાંત નિઝર તાલુકામાં રૂમકી તળાવ ખાતેની શક્તિ ઓટો પાર્ટ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. આ સિવાય રાજકોટ જિલ્લાની મટોડા ગામની આર.એચ.પી. ક્રોપ સાયન્સ પ્રા.લિ. સામે શંકાસ્પદ જંતુનાશક દવા બાબતે અને વેરાવળ શાપરની ક્રિસ્ટલ ફર્ટીલાઇઝર એન્ડ કેમિકલ્સ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]