ગુજરાતઃ ઘનકચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતાનીતિ જાહેર, ખાળકૂવાની માનવીય સફાઈ નાબૂદ

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત શહેરી ઘનકચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા નીતિ જાહેર કરતાં જણાવ્યું હતું કે,તમામ શહેરો અને નગરોમાં ૧૦૦ ટકા સફાઇ થાય, ઘન તેમજ પ્રવાહી કચરાનું સુવ્યવ્યસ્થિત એકત્રીકરણ અને પરિવહન, તેમ જ વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે માટે સર્વગ્રાહી નીતિ અમલમાં મૂકી છે.

ગુજરાત સરકારે નેશનલ અર્બન સેનિટેશનની પોલિસી મુજબ ‘રાજ્ય શહેરી ઘન કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા નીતિનું જે માળખું તૈયાર કર્યું છે, તેના ઉદ્દેશો આ પ્રમાણે છે.

નીતિના ઉદ્દેશો :

 • જાહેરમાં શૌચક્રિયા ન થાય તે માટે શહેરમાં વસતાં નાગરિકોને શૌચાલયની યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉપર ભાર મૂકાશે. તેમજ જ્યાં વ્યક્તિગત શૌચાલય જગ્યાને અભાવે ન બનાવી શકાય તેમ હોય ત્યાં જાહેર શૌચાલયની સગવડતા ઉભી કરાશે.
 • કેન્દ્રીય જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણ ઇજનેરી સંસ્થા (CPHEEO) કે પર્યાવરણ અને વન મંત્રાલયે નક્કી કરેલા ધોરણ મુજબ શહેરી સ્થાનિક સંસ્થામાં ઉત્પન્ન થયેલો તમામ કચરો અને ગંદા પાણીનો અન્ય હેતુ માટે ઉપયોગ થાય તે હેતુથી ટ્રીટમેન્ટ કરવામાં આવશે.
 • રહેણાંક અને વાણિજ્યક કચરાનું સ્થળ પર ૧૦૦ ટકા વર્ગીકરણ અને સંગ્રહની વ્યવસ્થા દ્વારા બધી શહેરી સ્થાનિક સંસ્થાઓના સહયોગથી ‘ઝીરો વેસ્ટ’ શહેરોનું નિર્માણ કરાશે : રીસાઇકલીંગ અને રીયૂઝ પર ભાર મૂકાશે.
 • ગટર લાઇન અને મેનહોલ્સની ઉપરાંત ખાળકૂવાની માનવીય સફાઈની નાબુદી દ્વારા રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેંજીંગની નાબૂદી.
 • દરેક શહેરી સ્થાનિક સંસ્થાઓમાં કુદરતી ગટરો અને વરસાદી પાણીની ગટરને પુનઃજીવિત કરાશે. ગંદા પાણીનો નિકાલ વરસાદી પાણીની ગટરમાં થાય નહીં તેની કાળજી રખાશે.
 • મજબૂત માહિતી પ્રણાલી ઉભી કરીને તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓની પાણી પુરવઠા અને સ્વચ્છતા સેવાઓ સંબંધિત ડેટા એમઆઇએસ(MIS) દ્વારા જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાશે : આવી પ્રથા ઊભી કરવા માટે જરૂરી રોકાણો રાજ્ય સરકાર ભોગવશે.
 • તમમ શહેરી સ્થાનિક સંસ્થાઓ જાહેર સ્વાસ્થ્ય પેટા કાયદો અપનાવે અને તેને તમામ શહેરો માટે લાગુ પાડે તેવી વ્યવસ્થાનું નિર્માણ.
 • શહેરી સ્થાનિક સંસ્થાઓને સ્વચ્છતા, પર્યાવરણ અને આરોગ્ય ક્ષેત્રે સજ્જ કરાશે : સંસ્થાઓને તેમના શહેરની ચોક્કસ યોજનાઓ તૈયાર કરવા અને સફળ અમલીકરણ માટે ચોક્કસ માધ્યમોનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવા માહિતી, શિક્ષણ અને સંચાર યોજના તૈયાર કરશે.
 • શહેરી સ્થાનિક સંસ્થાની હદમાં આવેલ બધા જળ સંસાધનો ઘન અને પ્રવાહી કચરાથી મુક્ત કરાશે.
 • બધી શહેરી સ્થાનિક સંસ્થાઓ સ્વચ્છતા માટેની આંતરમાળખાકીય સુવિધા ઉભી કરવા વિકાસ યોજના કે સ્થાનિક વિસ્તાર યોજના માટે જમીન અધિકૃત કરાશે
 • શહેરી સ્વચ્છતા માટે ભંડોળ વ્યવસ્થા: શહેરી સ્વચ્છતામાં સુધારા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફંડ ફાળવવામાં આવશે. ફંડને રાજ્ય સ્વચ્છતા ફંડ તરીકે એકત્રિત કરી શકાશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]