અહીં વિકાસનો પથ બનવો બાકી છે, 108 ન પહોંચતાં રસ્તામાં થઇ પ્રસૂતિ

અંબાજીઃ ગુજરાતની છાપ સમૃદ્ધ રાજ્યની છે જ્યાં નાગરિકોને ઘણી સુવિધાઓ પ્રાપ્ત છે તેમાં કોઇ બેમત નથી, પરંતુ હજુ પણ અહીં એવા અંતરિયાળ વિસ્તારો છે જ્યાં પ્રાથમિક સુવિધાઓના ફાંફા છે તે સત્ય છે. આ વાતની પ્રતીતિ કરાવે છે દાંતાના નવાવાસ ગામની આ ઘટના.

દાંતા  તાલુકામાં હજી કેટલાક ગામડા એવા છે જ્યાં 108 ઘર આગણે પહોંચી શકતી નથી. વિસ્તારમાં મોટાભાગે આદિવાસી પ્રજા વસે છે જેઓને માટે રસ્તાઓની વ્યાપક સુવિધાઓ પ્રાપ્ત થવી બાકી છે. કિસ્સો છે દાંતા તાલુકાના નવાગામ પાસે પાડલીયા ગામનો, જ્યાં અંતરિયાળ વિસ્તારમાં જવા કોઈ માર્ગ નથી. આ વિસ્તારમાં 28 વર્ષીય સવિતાબહેન ડુંગઈસા નામની ગર્બવતીને પ્રસૂતિનું દર્દ ઉપાડતા 108 એમ્યુલન્સને બોલાવાઇ હતી પણ વાહન આવી શકે તેવી પરિસ્થિતિ ન હોઈ પ્રસૂતાને ગામના કિનારે લાવવાની ફરજ પડી હતી જે પ્રસૂતા માટે અત્યંત પીડાદાયી બની હતી.પ્રસૂતાને ગામના ગોંદરે માર્ગમાં જ પ્રસૂતિ કરવાની ફરજ 108 ના ઈએમટી અલકાબહેનને પડી હતી. તેમણે સફળ પ્રસૂતિ કરાવી માતાને પીડામુક્ત કરી હતી. 108ની કામગીરીને સ્થાનિક આદિવાસીએ વધાવી લીધી હતી. જોકે આ સમયે પાકો માર્ગ હોત તો પ્રસૂતાને દવાખાના સુધી પહોંચાડવી શક્ય બની શક્યું હોત.

ચિરાગ અગ્રવાલ- અંબાજી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]