ગુજરાત અર્થતંત્રના વિકાસમાં 7 ટકાથી વધુ યોગદાન આપે છેઃ CM

ગાંધીનગર– ગિફટ સિટી હવે ઝડપભેર ફાયનાન્સિયલ વર્લ્ડનું પાવર હાઉસ બની રહ્યું છે, એમ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તત્કાલીન મુખ્યપ્રધાન તરીકે ગિફટ સિટીના નિર્માણથી ગુજરાતને માત્ર નાણાં સંસ્થાઓ જ નહીં પરંતુ કોમોડિટી એકસચેન્જ, શેર ટ્રાન્ઝેકશન્સસ, ડેરીવેટીવ્ઝ અને આંતરરાષ્ટ્રીય સ્ટોક માર્કેટનું હબ બનાવવાનું સેવેલું સપનું હવે સાકાર થયું છે.મુખ્યપ્રધાને ગિફટ સિટીમાં યસ બેન્કના IFSC ન્યૂ હેડકવાર્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ સાથે યસ બેન્કના યુ.એસ.ડી. બોન્ડ ઇસ્યુઅન્સ અને આઇ.એન.એકસ.નો બેલ વગાડી શુભારંભ કરાવ્યો હતો. વિજય રૂપાણીએ યસ બેન્કને ર વર્ષના ટૂંકા સમયગાળામાં ર બિલીયન અમેરિકી ડોલરના નાણાં કારોબાર માટે અભિનંદન પાઠવ્યા હતા. અન્ય બેન્કો માટે આ ઘટના પ્રેરણારૂપ બનશે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

મુખ્યપ્રધાને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વની કેન્દ્ર સરકારે વર્તમાન બજેટમાં ગિફટ સિટી માટે જે વિશેષ પ્રોત્સાહનો આપ્યા છે, તે ગુજરાતને દેશના નવા આર્થિક કેન્દ્રના રૂપમાં વધુ વ્યાપક સ્તરે વિકસીત કરશે. તેમણે જણાવ્યું કે, દેશની કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત દેશના અર્થતંત્રના વિકાસમાં સાત ટકાથી વધુ યોગદાન આપી રહ્યું છે. ‘‘ગુજરાતે વિશ્વને બતાવ્યું છે કે ભવિષ્યને ધ્યાને રાખીને ફયુચરીસ્ટીક ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ કરાવાય તો મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બની શકાય છે’’ એમ વિજય રૂપાણીએ ગુજરાતમાં સુદ્રઢ રોડ, વીજળી, પાણી જેવી સુવિધાઓની વિગતો આપતાં ઉમેર્યુ હતું. તેમણે DMIC, GIFT SEZ, બૂલેટ ટ્રેન જેવા બહુઆયામી પ્રકલ્પોની પણ વિશદ ભૂમિકા આપી હતી.

મુખ્યપ્રધાને વિશ્વાસ દર્શાવ્યો કે ગિફટ સિટીમાં ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયૂટસ, બેન્કસ વગેરેના આગમનથી ગુજરાતના યુવાઓ માટે અનેકવિધ રોજગાર અવસર મળશે. એટલું જ નહિ, યુવાશકિતના સામર્થ્યને ભરોસે વડાપ્રધાને ન્યૂ ઇન્ડીયાના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તે પણ પાર પાડવામાં ગુજરાત અગ્રેસર રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]