ગુજરાતના નાગરિકોને મુખ્યમંત્રી રૂપાણીના નૂતન વર્ષાભિનંદન

અમદાવાદ – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નવા વિક્રમ સંવત વર્ષ ૨૦૭૬ના પ્રારંભ દિને ગુજરાતના નાગરિક ભાઈઓ-બહેનોને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે.

રૂપાણીએ શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે આ નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે શ્રેષ્ઠ અને સમૃદ્ધિમય બને તેમજ ગુજરાત દેશમાં સર્વાધિક પ્રગતિના નવા શિખરો સર કરે તેવી અભ્યર્થના છે.

મુખ્યમંત્રીએ સૌના સાથ સૌના વિકાસના મંત્રને આત્મસાત્ કરી પ્રત્યેક ગુજરાતી નાગરિક રાજ્યના વિકાસમાં  સહભાગી બને તેવી શુભેચ્છા પણ પાઠવી છે.

રૂપાણીએ નૂતન વર્ષનો આરંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન પૂજનથી કર્યો હતો. તેઓ આજે સવારે એમના પત્ની અંજલિ રૂપાણી સાથે દર્શન કરવા માટે પહોચ્યા હતા. ગાંધીનગરનાં મેયર રીટાબહેન પટેલ તથા જિલ્લા અને શહેરના પદાધિકારીઓએ તેમને આવકારી નવા વર્ષની શુભેચ્છા આપી હતી.

રૂપાણીએ પંચદેવ મંદિર પરિસરમાં નગરજનો અને સામાન્ય નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને એમને નૂતન વર્ષની શુભેચ્છાઓ આપી હતી.

વિજય રૂપાણીએ ગાંધીનગરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજભવન ખાતે મળીને નૂતન વર્ષની શુભકામનાનું આદાનપ્રદાન કર્યું હતું. રૂપાણીની સાથે એમના પત્ની અંજલિ રૂપાણી પણ હતાં.


















ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 28 ઓક્ટોબર, સોમવારે વિક્રમ સંવત વર્ષ 2076ના નૂતન વર્ષનો આરંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન પૂજનથી કર્યો હતો. તેઓ સવારે એમના પત્ની અંજલિ રૂપાણી સાથે દર્શન કરવા માટે મંદિરે પહોચ્યા હતા. રૂપાણીએ પંચદેવ મંદિર પરિસરમાં નગરજનો અને સામાન્ય નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને એમને નૂતન વર્ષની શુભેચ્છા આપી હતી.