2019ની લોકસભા ચૂંટણી પહેલાં અમદાવાદનું નામ કર્ણાવતી કરી દેવાશેઃ રૂપાણી

અમદાવાદ – ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ શહેરનું કર્ણાવતી નામકરણ કરવાનો મુદ્દો ફરી ઉખેડ્યો છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અલાહાબાદ શહેરનું નામ બદલીને પ્રયાગરાજ કરતા અને ફૈઝાબાદ શહેરનું નામ બદલીને અયોધ્યા કરવાનો વિચાર રજૂ કર્યા બાદ રૂપાણીએ અમદાવાદનું નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

અહીં ભદ્રકાળી માતાનાં મંદિરે દર્શન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં રૂપાણીએ કહ્યું હતું કે એમની સરકાર અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે પ્રતિબદ્ધ છે. આ કામ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં થઈ જશે.

રૂપાણીએ કહ્યું કે આ નામકરણ માટે તમામ કાનૂની અવરોધોને દૂર કરી દેવાશે, કારણ કે અમદાવાદના તેમજ ગુજરાતના ઘણા ખરા ભાગોના લાખો હિન્દુઓની ઈચ્છા છે કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી તેના તમામ સત્તાવાર સમારંભો, કાર્યક્રમો તથા જાહેરખબરોમાં કર્ણાવતી નામ જ વાપરે છે.

2002માં, અટલ બિહારી વાજપેયીની કેન્દ્ર સરકારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે ભાજપશાસિત અમદાવાદ મહાનગરપાલિકાના 1990ના દાયકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. એ વખતે એલ.કે. અડવાણી દેશના ગૃહ પ્રધાન હતા.

બાદમાં, કોંગ્રેસશાસિત મહાનગરપાલિકાએ એ પ્રસ્તાવને ઉલટાવી દીધો હતો અને મૂળ નામને જ જાળવી રાખ્યું હતું.

ગુજરાત કોંગ્રેસનું કહેવું છે કે રાજકીય કારણથી પ્રેરિત થઈને રૂપાણીએ અમદાવાદના નામકરણનો મુદ્દો ફરી ઉખેડ્યો છે. ભૂતપૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા 13 વર્ષથી ભાજપનું શાસન છે. રાજ્ય સરકાર બે દાયકાથી વધુ સમય જૂની છે અને કેન્દ્રમાં ભાજપની સરકારને સાડા ચાર વર્ષ થઈ ગયા છે. આટલા બધા વર્ષોમાં એ કામ કેમ કરવામાં આવ્યું નહોતું? અને લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જ કેમ મુદ્દો ઉપાડ્યો છે?

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]