ગુજરાતમાં ઘરે-ઘરે દારૂ પીવાય છે : અશોક ગેહલોતના નિવેદનથી હોબાળો

જયપુર : રાજસ્થાનમાં દારૂબંધીની માંગ પર મુખ્યમંત્રી અશોક ગેહલોત એ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. અગાઉ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. અશોક ગેહલોતે આના માટે ગુજરાતનું ઉદાહરણ આપતા કહ્યું કે, આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. ગહલોતે કહ્યુ કે, આ મહાત્મા ગાંધીના ગુજરાતની સ્થિતિ છે. કેટલીક કડક વ્યવસ્થા થવા સુધી પ્રતિબંધનો કોઈ અર્થ નથી.

અશોક ગેહલોતનાં નિવેદન સામે ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાય છે” તેવુ અશોક ગેહલોતનું નિવેદન ગુજરાતનાં દરેક પરિવાર માટે ‘આઘાતજનક’ અને ‘અપમાનજનક ‘ છે. તેમણે ‘ઘર’ શબ્દ વાપરીને ગુજરાતની સમગ્ર યુવા પેઢી, મહિલાશક્તિ અને વડીલોનું અપમાન કર્યુ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ગુજરાત પર દારૂની ટિપ્પણી કરવા બદલ અશોક ગેહલોત માફી માંગે તેવી માગ કરી છે.

કોંગ્રેસને હમેશાં ગુજરાતની પ્રગતિ, ગુજરાતનાં કલ્ચર અને ગુજરાતનાં ગૌરવ,નેતૃત્વની હમેશાં ઈર્ષ્યા થતી હોય છે. કોંગ્રેસનાં બે જ કામ છે. ગુજરાતહિતને નુકશાન કરવું અને ગુજરાતને બદનામ કરવાનો સતત પ્રયાસ કરવો. ગુજરાતની જનતાને લોકમન કે લોકમતથી જીતી શકયાં નથી એટલે  સતત બદનામ કરવાનો પ્રયાસ કરે છે.

નર્મદા વિરોધી-પાણી વિરોધી કોંગ્રેસ દારુબંધીની તરફેણ કરીને ગુજરાતની જનતાને દારુડીયા કહીને અપમાન કરે છે ત્યારે ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ કેમ ચૂપ છે ? કોંગ્રેસનાં નેતાઓએ અને અશોક ગેહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ તેમ ભરત પંડયાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ઘણા લાંબા સમયથી દારૂબંધીની માંગ ઉઠી રહી છે. આ મામલામાં પત્રકારોના એક સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, વ્યક્તિગત રીતે દારૂબંધીનું સમર્થન કરું છું. તેની પર એકવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો અને પ્રતિબંધ હટાવી દેવાયો.