અમદાવાદમાં ગુજરાત ભાજપની ચિંતન શિબિરનો આરંભ: લોકસભાની 26 બેઠકો ફરીથી જીતવાનો નિર્ધાર

અમદાવાદ – ગુજરાત ભાજપની બે દિવસીય ચિંતન શિબિરનો આજથી અહીં આરંભ થયો છે. 2019માં નિર્ધારિત લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો જીતવાનો આજની બેઠકમાં નિર્ધાર કરાયો છે. ગુજરાત પ્રદેશ ભાજપના તા. ૨૪ અને ૨૫ જૂન એમ બે દિવસીય ચાલનાર ચિંતન શિબિરનો દીપ પ્રાગટ્ય સાથે એસ.જી.વી.પી., છોરોડી, અમદાવાદમાં શુભારંભ કરવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ ચિંતન શિબિરના જણાવ્યું હતું કે, ચિંતન શિબિરના બીજા દિવસે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પૂર્ણ દિવસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો પર ભાજપના સંસદસભ્યો પ્રજાલક્ષી જનહિતના કાર્યો કરી રહ્યા છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જનતા જનાર્દનના આશીર્વાદથી તમામ લોકસભા બેઠકો પર ભાજપાનો ફરી ભવ્ય વિજય થશે. આ ચિંતન શિબિરમાં આગામી લોકસભાની ચૂંટણી માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. લોકસભા બેઠકોની સમીક્ષા, સંગઠનલક્ષી ચર્ચાઓ, કાર્ય યોજનાઓ અને આગામી કાર્યક્રમો વિશે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની લોકકલ્યાણની વિવિધ યોજનાઓની માહિતી રાજ્યભરમાં ઘર-ઘર અને જન-જન સુધી પહોંચાડવા માટેની રૂપરેખા તેમજ સંગઠનલક્ષી વ્યવસ્થાઓ બાબતે ૧૦ જેટલા વિવિધ સત્રો હાથ ધરવામાં આવશે.

ગુજરાતભરમાં ભાજપા શક્તિકેન્દ્રો, બુથસમિતિ તેમજ પેજપ્રમુખની સુદ્રઢ વ્યવસ્થાઓ ધરાવે છે. પ્રદેશ સંગઠનથી લઈને બુથ સ્તર સુધીના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની અપાર શક્તિને કામે લગાડી આવનારી ચૂંટણીઓમાં ગુજરાતમાં ૨૬માંથી ૨૬ બેઠકો પુનઃ જીતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બને તે માટેનું આકલન અને સંકલન હાથ ધરવામાં આવશે.

કોંગ્રેસની નકારાત્મક્તા પર આકરા પ્રહાર કરતાં જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા વિકાસ વિરોધી નકારાત્મક રાજનીતિ જ કરી છે. કોંગ્રેસનું કામ હંમેશા ગુજરાતના વિકાસમાં અવરોધો નાંખવાનું રહ્યું છે તે ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. ભાજપ છેલ્લા બે દસકાથી પણ વધુ સમયથી ગુજરાતમાં સેવા કરી રહી છે. કોંગ્રેસનું વલણ હંમેશા ખંડનાત્મક રહ્યું છે. શાંત ગુજરાતમાં યેન-કેન પ્રકારે વર્ગ-વિગ્રહ ફેલાવી શાંતિ ડહોળવાના પ્રયાસો કોંગ્રેસ સતત કરી રહી છે. પરંતુ ગુજરાતની પ્રજાએ નકારાત્મક કોંગ્રેસને ઠુકરાવીને હાલમાં જ યોજાઈ ગયેલી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સતત છઠ્ઠી વખત સત્તાના સુકાન ભાજપને સોંપીને પોતાની વિકાસલક્ષી માનસિકતાનો પરચો સમગ્ર દેશ અને દુનિયા સમક્ષ બતાવ્યો છે.

ચિંતન શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષ, મુખ્યપ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા અને કેન્દ્રીય પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]