બેટી પઢાવો, પણ ક્યાં સુધી? ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો વધ્યો!!

અમદાવાદઃ દેશમાં ‘બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન’ ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સૂત્ર આપ્યું છે. ગુજરાતમાં તેઓના મુખ્યમંત્રીપદ સમયમાં શાળા પ્રવેશોત્સવ દ્વારા તેમણે બાળકીઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો. પરંતુ આજે ગુજરાતમાં સ્ત્રી શિક્ષણનો દર નીચે આવી ગયો છે. એક અહેવાલ મુજબ, 10માંથી 6 છોકરીઓ ધોરણ 10ના વર્ગ પછી ભણવું છોડી દે છે એટલે કે 100માંથી 60 છોકરીઓ ઉચ્ચ શિક્ષણ લેતી નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે દાવો કર્યો છે કે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે. રાષ્ટ્રીય આરોગ્ય પ્રોફાઇલ 2019 જણાવાયું છે કે આંકડામાં ફક્ત 43 ટકા બાળકો 11માં ધોરણ સુધી ચાલુ રહે છે. 11માં ધોરણ સુધીમાં, 59 ટકા છોકરીઓ શાળા છોડી દે છે.

રિપોર્ટને ટાંકીને ગુજરાત કોંગ્રેસે કહ્યું છે કે શિક્ષણ સુધારવાના ગુજરાત સરકારના દાવા ખોટા સાબિત થયાં છે. રાજ્ય સરકાર દ્વારા બેટી પઢાવો, બેટી બચાવોની ઘોષણા પછી પણ છોકરીઓ માટે ડ્રોપઆઉટ રેશિયો વધતો રહ્યો છે. રાજ્ય સરકાર પહેલા ધોરણમાં 97.૧૧ ટકા પ્રવેશનો દાવો કરે છે, પરંતુ તેઓ 9 થી 11 ધોરણ સુધી પહોંચે છે ત્યારે પરિસ્થિતિ ચિંતાજનક બની જાય છે. નેશનલ હેલ્થ પ્રોફાઇલ રિપોર્ટ મુજબ, 41.5 ટકા છોકરીઓ 11માં ધોરણમાં પહોંચે છે.  આ મુદ્દે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની તુલનામાં ગુજરાત પણ બિહારથી પાછળ છે.

કોંગ્રેસનો દાવો છે કે રાજ્યમાં છોકરીઓ શાળા નીકળી જવાના કારણમાં આર્થિક અને સામાજિક જ નહીં, ખર્ચાળ શિક્ષણ પણ આ માટે જવાબદાર છે. ગ્રામીણ વિસ્તારોમાં માધ્યમિક અને ઉચ્ચકક્ષાની શાળાઓ પણ ઓછી છે. આને કારણે માતાપિતા છોકરીઓને ભણતર માટે જિલ્લામાં મોકલતાં નથી. રાજ્ય સરકાર ડ્રોપઆઉટમાં ઘટાડો લાવવાનો દાવો કરી રહી છે પણ આ રિપોર્ટમાં તેના દાવાનો પર્દાફાશ થયો છે.