તમામ પોલિસ સ્ટેશનોમાં CCTV ધરાવતું રાજ્ય બન્યું ગુજરાત, દેશમાં પ્રથમ

ગાંધીનગર– સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં તમામ પોલિસ સ્ટેશનોને સીસીટીવીથી સજ્જ કરાયાં હોવાનું ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. વધુમાં સેફ એન્ડ સીક્યોર ગુજરાત (SASGUJ) પ્રોજેક્ટ અંતર્ગત રૂા. ૩૩૫ કરોડના ખર્ચે રાજ્યના ૩૪ જિલ્લા તથા ૬ ધાર્મિક સ્થળોને ૭,૪૬૩ કેમેરાથી સજ્જ કરવાનું રાજ્ય સરકારનું આયોજન પણ હોવાનું જણાવાયું હતું.ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યના ૬૧૯ પોલીસ સ્ટેશનોમાં ૬૨ કરોડથી વધુના ખર્ચે ૭,૩૬૧ સીસીટીવી લગાવાયા છે. આ કેમેરાની કામગીરીનું જિલ્લા કક્ષાએ એસ.પી. કચેરી દ્વારા તથા શહેર કક્ષાએ પોલીસ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા રીમોટ મોનીટરીંગ સીસ્ટમથી દેખરેખ રાખવામાં આવશે. તેના ફુટેજ ૩૦ દિવસ સુધી રાખવામાં આવશે અને તેના ઉપયોગની માત્રને માત્ર પોલીસ વિભાગને જ મંજૂરી છે.

મોટા પોલીસ સ્ટેશનમાં ૧૫ અને નાના પોલીસ સ્ટેશનમાં ૯ થી ૧૦ કેમેરા લગાવાયા છે. અમરેલી જિલ્લામાં ૨૧ પોલીસ સ્ટેશનોમાં ૨૩૪ કેમેરા લગાવાયા છે તે તમામ કાર્યરત છે. એ જ રીતે સૂરત ગ્રામ્યના પોલીસ સ્ટેશનમાં ૧૪૮ કેમેરા અને સૂરત શહેરમાં ૩૭૭ મળી કુલ સૂરત જિલ્લામાં પણ સીસીટીવી લગાવાયા છે.

પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવાની કામગીરી ગોદરેજ, વીપ્રો કંપનીને આપવામાં આવી છે. જેમાં કેમેરા ઇસ્ટ્રોલેશન તથા વાર્ષિક મેઇન્ટેનન્સ સહિતની કામગીરીનો કોન્ટ્રાક્ટ અપાયો છે. જો કેમેરા બંધ થાય તો સત્વરે તેને ચાલુ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે.