એક કા ડબલની લાલચમાં ફસાયાં કરોડો રુપિયા, CID દ્વારા કૌભાંડની તપાસ શરુ

અમદાવાદ- CID ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાતમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હિન્દુસ્તાન વેપાર નિવેશ નામની કંપની(HVN)એ ગુજરાતના અનેક વિસ્તારોમાં બ્રાન્ચો શરૂ કરી કરોડોની રકમનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. ગાંધીનગર ખાતે સીઆઈડી ક્રાઈમમાં આ મામલે ગુનો દાખલ કરાતાં રાજ્યભરની બ્રાન્ચોમાં તપાસ માટે દરોડા પાડવામાં આવ્યા છે.

જેમાં મોડાસાના મેઘરજ રોડ ખાતે પણ HVNની બ્રાન્ચમાં સીઆઈડી ક્રાઈમની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ અધિકારીઓએ મોડાસાની બ્રાન્ચમાંથી હિસાબોના ચોપડા તેમજ સીપીયુ કબ્જે કરી તપાસનો દોર શરુ કર્યો છે. આ કંપનીમાં રોકાણ કરનાર અનેક લોકોના નાણાં ડૂબી જતાં રોકાણકારોની હાલત કફોડી બની છે.

HVN નામની કંપની દ્વારા રુપિયા ૧૫૦ કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરમાં ફરિયાદ દાખલ થઈ છે. ફિક્સ ડીપોઝીટ, રીકરીંગ સહિતની સ્કીમો મુકી આ કંપનીએ રોકાણકારો પાસે નાણાં ઉઘરાવ્યા હતાં. એજન્ટો રોકી લોકોને છેતરામણી લાલચો આપી ટૂંકા ગાળામાં નાણાં બમણાં અને ત્રણ ગણા મળશે તેમ જણાવી રોકાણ કરાવાયુ હતું. જો કે પાકતી મુદત પહેલાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ખોલવામાં આવેલી HVNની બ્રાન્ચોના શટર પડી જતાં રોકાણકારોની હાલત કફોડી બની ગઈ છે.

HVN  કંપની પર મની સરક્યુલેશન (બેનીંગ) એક્ટ ૧૯૭૮ની કલમ ૪,૫,૬ તથા જીપીઆઈડી એક્ટ ૨૦૦૩ની કલમ ૩ સહિત જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી સીઆઈડી ક્રાઈમના પીએસઆઈ એચ.ડી.ચાવડાએ તપાસ હાથ ધરી છે. વડોદરા, ગોધરા, બાલાસીનોર સહિતની બ્રાન્ચોમાં સીઆઈડીએ દરોડા પાડી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ માસથી રોકાણકારોને નાણાં મળવાના બંધ થતાં લોકોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે હવે આ નાણાં પરત મળે છે કે કેમ તે જોવું રહ્યું. નોધનીય છે કે, હાલના તબક્કે તો મોટા વળતરની આશાએ મૂડી રોકાણ કરનારાઓની હાલત કફોડી બની જવા પામી છે.