આજ-કાલ વિધાનસભાનું સત્ર, કોંગ્રેસ ખેડૂતો મુદ્દે આકરાપાણીએ

ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભાનું અર્ધવાર્ષિક સત્ર આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે મળી રહ્યું છે. આ વિધાનસભા સત્રમાં વિરોધ પક્ષ અનેક રીતે સત્તાધારી પક્ષને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રેલી સ્વરુપે કોંગ્રેસ વિધાનસભા સુધી જશે અને ત્યાં જઈને વિધાનસભાનો ઘેરાવ કરશે જેનો કાર્યક્રમ અત્યારે ગાંધીનગરમાં શરુ થઈ ગયો છે.

તો ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને એક બેઠક પણ મળી હતી. આ બેઠકમાં તમામ પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં વિધાનસભા સત્ર અને કોંગ્રેસના ઘેરાવના કાર્યક્રમને લઈને ચર્ચા કરવામાં આવી છે.

કોંગ્રેસે મુખ્યપ્રધાન વિજય રુપાણીની આગેવાની વાળી સરકાર તમામ મોરચે નિષ્ફળ દઈ હોવાનો આક્ષેપ કરતા તેની સામે વિધાનસભાના નિયમોના નિયમ 106 હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કરવાની અનુમતિ માંગતી નોટિસ પણ સ્પીકરને સોંપવામાં આવી છે. પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બાબત ગૃહના એજન્ડા ઉપર આવે તેવી શક્યતા નહીંવત્ છે. મંગળવારે સ્વર્ગસ્થ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી ઉપરાંત દિવંગત ૯ પૂર્વ ધારાસભ્યોને અંજલિ આપી ગૃહમુલતવી રહેશે. બુધવારે સવારે અને બપોરે એમ બે બેઠકમાં ૬ વિધેયકોની પણ ચર્ચા થશે.