સત્રના અંતિમદિવસે સરકારે આપ્યાં આવાસ-ટેક્સટાઈલ અંગે ‘જાણવાજોગ’ જવાબો

ગાંધીનગર- ગુજરાત વિધાનસભા અંદાજપત્ર સત્રનો શુક્રવારે છેલ્લો દિવસ હતો. ત્યારે કેટલીક મહત્ત્વની બાબતો જે ગૃહમાં રજૂ થઈ હતી તેમાં સરકારે વધુ કેટલાક પ્રશ્નોના જાણવાજોગ જવાબો આપ્યાં હતાં. મુખ્યમંત્રી આવાસ યોજના અંગે જણાવાયું હતું કે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં આવાસ બનાવવામાં આવે છે તે અંતર્ગત અમદાવાદ અને વડોદરા શહેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ૧૪,૫૮૯ આવાસો  રૂ.૩૧૯.૭૬ કરોડના જંગી ખર્ચે નિર્માણ કરવામાં આવ્યાં છે.

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં શહેરી વિકાસ પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આવાસ યોજના માટે અમદાવાદમાં ૭૪,૬૪૫ અરજી અને વડોદરા શહેરમાં ૧૩૮૧૩ અરજી એમ મળી કુલ ૯૩,૦૮૭ અરજી મળી હતી. આ અરજીઓમાંથી અમદાવાદમાં ૮,૫૧૨ અરજી અને વડોદરા શહેરમાં ૧૦,૪૦૮ અરજી મળી કુલ ૧૮,૪૦૮ અરજી મંજૂર કરવામાં આવી છે. મંજૂર થયેલી અરજીઓ અન્વયે અમદાવાદમાં ૮,૫૪૨  આવાસ બનાવવામાં આવી રહ્યા છે. જેમાંથી ૩૬૪ આવાસનું નિર્માણ થઇ ચૂક્યું છે. જ્યારે વડોદરા શહેરમાં ૬,૦૪૭ આવાસ સંપર્ણપણે બનીને તૈયાર છે. અમદાવાદમાં આવાસોના નિર્માણ માટે રૂ.૬૭.૯૩ કરોડ અને વડોદરા શહેરમાં રૂ.૨૫૨.૮૩ કરોડ એમ બન્ને મળી કુલ રૂ.૩૧૯.૭૬ કરોડના ખર્ચે ૧૪,૫૮૯ આવાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

ટેક્સટાઇલ પૉલિસી-૨૦૧૨ હેઠળ રૂ.૪૧૪૯.૫૭ કરોડનું રોકાણ

રાજ્ય રંગ-રસાયણ, ફર્ટિલાઇઝર, ડાયમંડ વગેરે ક્ષેત્રે આગળ છે. તે જ રીતે કાપડ, ગારમેન્ટ અને હોઝિયરી પેદાશોના ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૨માં ગુજરાત ટેક્સટાઇલ પૉલિસી અમલી બનાવવામાં આવી હતી.

આ પૉલિસી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ૩૧.૦૩.૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ ૮૮ અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જેના દ્વારા રૂ.૪૧૪૯.૫૭ કરોડનું રોકાણ થયું છે, તેમ ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નના લખિત જવાબમાં ઉદ્યોગ પ્રધાને વિધાનસભામાં જણાવ્યું હતું.

બોટાદ જિલ્લાના બરવાળાનો અતિ પછાત તાલુકામાં સમાવેશ

વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછાયલ પ્રશ્નના લેખિત જવાબમાં આયોજન પ્રધાને જણાવ્યું હતું કે, બરવાળા તાલુકામાં વર્ષ-૨૦૧૭-૧૮માં રૂ. ૨૦૦ લાખની અને વર્ષ-૨૦૧૮-૧૯માં રૂ.૨૦૦ લાખની મળી કુલ રૂ.૪૦૦ લાખની જોગવાઇ કરવામાં આવી હતી. પરંતુ અતિપછાત તાલુકાની જરૂરિયાત ધ્યાનમાં લઇ વર્ષ-૨૦૧૭-૧૮માં ૧૨૬ અને વર્ષ-૨૦૧૮-૧૯માં ૫૬ કામ મળી કુલ ૧૮૨ કામ મંજૂર કરવામાં આવ્યાં હતાં અને બે વર્ષની જોગવાઇ રૂ.૪૦૦ લાખની હોવા છતાં રૂ.૪૩૯.૮૮ લાખની રકમ મંજૂર કરવામાં આવી હતી.

રાજ્યમાં વિકાસની દોડમાં એક તાલુકાની સરખામણીમાં બીજો તાલુકો પાછળ ન રહી જાય તે માટે તા. ૨૭.૦૭.૨૦૦૬ના કૌલગી સમિતિએ જાહેર કરેલ અતિપછાત તાલુકામાં અમદાવાદ જિલ્લાના બરવાળા તાલુકાનો સમાવેશ થતો હતો. પાછળથી બરવાળા તાલુકાને નવરચિત બોટાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]