અમરેલીમાં મેડિકલ કોલેજને મંજૂરી, ઈબીસીની બેઠકો માટે સરકારનું પ્લાનિંગ…

ગાંધીનગર– ગુજરાતના આર્થિક રીતે પછાત એવા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સરળતાથી ઉચ્ચ શિક્ષણની સુવિધા મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૦% આર્થિક પછાત અનામત આપવાનો નિર્ણય કર્યો છે. જેનો દેશભરમાં પ્રથમ અમલ ગુજરાતે કર્યો છે અને ચાલુ શૈક્ષણિક વર્ષથી જ ઉચ્ચ અભ્યાસક્રમોમાં તમામ પ્રવેશ પ્રક્રિયામાં બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને ૧૦% અનામત મુજબ પ્રવેશ અપાશે. જેનાથી આ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ફાયદો થશે. અહી નોંધવું જરૂરી છે કે, ગુજરાત સરકારે અગાઉ નિર્ણય કર્યો છે તે મુજબ વાર્ષિક રૂ. ૮ લાખથી ઓછી આવક ધરાવતાં પરિવારના વિદ્યાર્થીઓ કે જે કોઇપણ જાતની અનામતનો લાભ નથી મેળવતાં તેમને આ નિર્ણયનો લાભ મળશે.

–     બિન અનામત વર્ગોને અનામત આપવાના કારણે મેડીકલ, પેરામેડીકલ સહિત આનુષાંગિક બેઠકોમાં કુલ ૩૧,૮૯૦ની સામે ૬,૮૦૯ બેઠકોમાં વધારો થશે

–     માત્ર એમબીબીએસની હાલ ૪,૩૫૦ બેઠકો સામે ૯૧૪ બેઠકોનો વધારો થઇ કુલ ૫,૨૬૪ બેઠકો ઉપલબ્ધ થશે

–     અમરેલીમાં નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપતી ભારત સરકાર  

–     ડેન્ટલમાં ૨૨૦ બેઠકો, આયુર્વેદમાં ૩૩૫ બેઠકો અને હોમિયોપેથીમાં ૬૩૫ બેઠકોનો વધારો થશે

–     ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે 

 

ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે 29 મેને બુધવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં લેવાયેલા આ મહત્વના નિર્ણયો લેવાયા હતા. ચાલુ શૈક્ષણિક વર્ષથી જ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત રાખીને જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. એટલુx જ નહી આ જોગવાઇથી અન્ય વર્ગની અનામત બેઠકોને કોઇ અસર થશે નહી.

બિન અનામત આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણમાં ૧૦% અનામતનો લાભ આપવાના કારણે મેડીકલ ક્ષેત્રમાં હાલ જે ૪,૩૫૦ બેઠકો છે તેમાં ૧૦% બિન અનામત આર્થિક પછાત વર્ગની ૯૧૪ બેઠકોનો વધારો થશે જેના કારણે રાજ્યમાં મેડીકલ ક્ષેત્રની કુલ ૫,૨૬૪ બેઠકો પર પ્રવેશ અપાશે એ જ રીતે ડેન્ટલ વિભાગમાં ૨૨૦ બેઠકો વધવાને કારણે કુલ ૧,૩૬૦ બેઠકો થશે. એ જ રીતે આયુર્વેદમાં ૩૩૫ બેઠકોના વધારાથી કુલ ૨,૧૧૫ બેઠકો થશે. જ્યારે હોમિયોપેથીમાં ૬૩૫ નવી બેઠકો ઉમેરાતાં કુલ ૪,૧૬૦ બેઠકો પર પ્રવેશ અપાશે. આ ઉપરાંત નર્સિંગ ક્ષેત્રે પણ ૩,૭૩૫ બેઠકો વધતાં ૧૯,૯૭૫ બેઠકો થશે. ફિઝીયોથેરાપીમાં પણ ૯૦૦ બેઠકોના વધારાથી કુલ ૫,૪૩૫ બેઠકો થશે. સાથે-સાથે અન્ય પેરામેડીકલ કોર્ષમાં ૭૦ બેઠકોનો વધારો થતાં કુલ ૩૯૦ બેઠકો પર પ્રવેશ અપાશે. આમ રાજ્યમાં મેડીકલ સહિત આનુષાંગિક કોર્ષ અને પેરામેડીકલ મળી કુલ ૩૧,૮૯૦ બેઠકોમાં ૬,૮૦૯ બેઠકોનો વધારો થતાં કુલ ઉપલબ્ધ બેઠકો ૩૮,૬૯૯ થશે.

અમરેલી ખાતે ભારત સરકારે તા.૨૮.૦૫.૨૦૧૯ ના રોજ નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની પણ પરવાનગી આપી દીધી છે જેનાથી રાજ્યમાં એક નવી મેડીકલ કોલેજ બનશે અને આ કોલેજમાં ૧૫૦ બેઠકો પર પ્રવેશ અપાશે.   

ગુજરાતમાં આર્થિક રીતે બિન અનામત વર્ગને ૧૦% અનામત આપવાના કારણે હાલમાં પ્રવર્તમાન અનામત નીતિમાં કોઇ પણ ફેરફાર કરાશે નહી તેમજ બિન અનામતની ૫૧% ધોરણે મળતી બેઠકોમાં પણ ઘટાડો કરાશે નહી. આમ કરવાથી મંજૂર થયેલ કોઇપણ કોલેજની કુલ બેઠકોમાં ૨૨થી ૨૫% બેઠકોનો વધારો કરાશે. જેનાથી પ્રવર્તમાન અનામતના ધોરણની બેઠકોને ઘટાડ્યા વગર ૧૦%ની આ અનામત બેઠકો ફાળવી શકાશે. આ જોગવાઇ અનુસાર ૧૫૦ બેઠકની કોલેજમાં જો પ્રવર્તમાન અનામતનું ધોરણ પણ જળવાય અને બિન અનામત વર્ગને ૧૦% બેઠકની ફાળવણી થાય તેવી સ્થિતિ માટે ૧૮૫ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડે જેમાં ૪૧% બિન અનામત વર્ગની ૬૫ બેઠકો, ૧૦% આર્થિક પછાત બિન અનામત વર્ગની ૧૫ બેઠક, ૨૭% લેખે એસઇબીસી કેટેગરીની ૪૨ સીટ, ૧૫% એસટી કેટેગરીની ૨૪ સીટ ઉપરાંત ૭% એસસી કેટેગરીની ૧૧ સીટ સાથે ૧૫% ઓલ ઇન્ડિયા ક્વોટાની ૨૮ સીટ ઉમેરતાં કુલ ૧૮૫ બેઠકો ઉપર પ્રવેશ આપવો પડશે.

ઇજનેરી, ફાર્મસી સહિતના પ્રોફેશનલ કોર્ષમાં પણ બિન અનામત વર્ગના ૧૦% અનામતનો અમલ કરવાથી બેઠકમાં વધારો થયાની વિગતો પણ આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ઇજનેરી ક્ષેત્રે ૧૦ % અનામતના અમલને કારણે ઉપલબ્ધ બેઠકોમાં ૩૮,૬૦૭ નો વધારો થશે. ફાર્મસીના અભ્યાસક્રમમાં ૧૬૭૬ બેઠકોનો વધારો થશે તેમજ આર્કીટેક્ચર, એમબીએ, એનસીએ અને અન્ય કોર્ષની બેઠકોમાં ૪,૨૪૭ બેઠકોનો વધારો થશે જેનાથી આવા પ્રોફેશનલ કોર્ષીસમાં કુલ બેઠકોમાં ૪૪,૦૦૦થી વધુ બેઠકોનો વધારો થશે. જેના કારણે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ચાલુ વર્ષથી જ ઉચ્ચ અભ્યાસની તકોમાં વધારો થશે.

વિદ્યા શાખા હાલની બેઠકો EWSનાં કારણે વધતી બેઠકો કુલ
મેડિકલ ૪૩૫૦ ૯૧૪ ૫૨૬૪
ડેન્ટલ ૧૧૪૦ ૨૨૦ ૧૩૬૦
આયુર્વેદ ૧૭૮૦  ૩૩૫ ૨૧૧૫
હોમિયોપેથી ૩૫૨૫ ૬૩૫ ૪૧૬૦
નર્સિંગ ૧૬૨૪૦ ૩૭૩૫ ૧૯૯૭૫
ફિઝિયોથેરાપી ૪૫૩૫ ૯૦૦ ૫૪૩૫
અન્ય

પેરામેડિકલ

૩૨૦ ૭૦ ૩૯૦
કુલ બેઠકો ૩૧,૮૯૦ ૬૮૦૯ ૩૮૬૯૯
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]