આ શરતો સાથે નિવૃત્તિ બાદ ડોક્ટરો મેળવી શકશે પુનઃનિમણૂક

અમદાવાદ- તબીબી સેવા, જાહેર આરોગ્‍ય અને તબીબી શિક્ષણ હેઠળ સેવા આપતા તબીબી શિક્ષકો અને તબીબોને ૬૨ વર્ષની વય નિવૃત્તિ બાદ વધુ ત્રણ વર્ષ સુધી નિમણૂકો આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં એમબીબીએસ. તથા પોસ્‍ટ ગ્રેજયુએટ-એલોપેથિક તબીબોને નિમણૂકો અપાશે.

નિવૃત્ત થયા બાદ વધુ ત્રણ વર્ષ સુધી સરકારી હોસ્‍પિટલોમાં કામગીરી માટે તેમજ મેડિકલ કોલેજોમાં શિક્ષણ માટે સેવામાં ચાલુ રહે તેવી નીતિ નકકી કરી છે. તે મુજબ હવે ૬૨ વર્ષની વય નિવૃત્તિ બાદ નિવૃત્ત પામેલા ડૉક્ટરો વધુ ત્રણ વર્ષ સુધી પે-માઇનસ પેન્‍શનની આકર્ષક પગાર યોજના મુજબ નિમણૂક અપાશે.

પુનઃ નિમણૂંકનો સમયગાળોનો પ્રથમ તબકકો ૧૨ માસનો રહેશે. પરંતુ, પુનઃ નિમણૂંક આપ્‍યા બાદ, રાજય સરકારને સીધી ભરતીથી કે બઢતીથી નિયમિત તબીબો ઉપલબ્‍ધ થતાં, પુન: નિમણૂંક પામેલ ર્ડાકરર્સ/તબીબી શિક્ષકોને છૂટા કરાશે. વય નિવૃત્તિ બાદ પુનઃ નિમણૂંક પામતા તબીબી શિક્ષકો/ તબીબોને નિવૃત્તિ સમયે મળતા પગારને ધ્‍યાને લઇ પે-માઇનસ પેન્‍શનના ધોરણે થતી રકમ મળવાપાત્ર રહેશે.

આ નિમણૂંક પર નિયત કરેલ વેતન પર કોઇપણ જાતના બીજા ભથ્‍થાં મળવાપાત્ર થશે નહીં. તેમજ પુનઃ નિમણૂક દરમ્‍યાનની તેમની સેવા બદલ કોઇ વધારાનું પેન્‍શન, બોનસ, રજાનું રોકડમાં રૂપાંતર, પેશગી સહિતના અન્‍ય લાભો પણ મળવાપાત્ર રહેશે નહીં. તેમજ નિમણૂંકના સમયગાળા દરમ્‍યાન આકસ્‍મિક અવસાન થાય તો, તેમણે બજાવેલ ફરજના સમયગાળાના નિયત વેતનની લ્‍હેણી રકમ જ કુટુંબીજનોને મળશે. અન્‍ય લાભો મળવાપાત્ર રહેશે નહીં. તેમજ પુનઃ નિમણૂંક મેળવનાર તબીબી શિક્ષકો-તબીબોએ કાર્ય મથક પર રહેણાંક રાખીને સેવાઓ આપવાની રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]