પદ્માવતના વિરોધમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અમદાવાદ- પદ્માવત ફિલ્મ દેશના ચાર શહેરો સિવાયના શહેરોમાં આખરે આજે રિલીઝ થઈ ગઈ છે. ગુજરાતમાં પદ્માવત રિલીઝ થઈ નથી. ગુજરાત સહિત દેશભરમાં કરણી સેના દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરો અને તાલુકા તેમજ જીલ્લાઓમાં કરણી સેના દ્વારા બંધના એલાનને સફળ બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પણ મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. અમદાવાદ સહિત તમામ શહેરોમાં થિયેટરો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં આશ્રમ રોડ સહિતના અનેક વિસ્તારોમાં બંધની અસર જોવા મળી રહી છે. તો અમદાવાદના થિયેટરોને બંધ રાખવાનો નિર્ણય થિયેટર માલિકોએ લીધો છે. તો આ સિવાય રાજકોટમાં આજે કરણી સેનાના કાર્યકર્તાઓ દ્વારા લોકોને શાંતિથી સમજાવીને બંધને સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવી હતી. માર્કેટીંગ યાર્ડ પણ આજે બંધ રાખવામાં આવ્યા છે. તો દહેગામ હાઈવે પર આજે સવારના સુમારે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પાટણમાં વ્યાપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો છે અને સાથે જ એસટી બસને બંધ રાખવામાં આવી છે. અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનને સ્ટેન્ડ ટુના આદેશ જારી કરાયો છે.

તો સમગ્ર મામલે તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાતમાં ગુજરાતમાં BSFની 6 કંપનીઓ, રેપિડ એક્શન ફોર્સની 9 કંપનીઓ, સીમા સુરક્ષા દળની 1 કંપનીની મદદ લેવામાં આવી, SRPની 9 કંપનીઓને તહેનાત કરવામાં આવી છે.

સુરત અને વડોદરામાં સ્થિતી અલગ જોવા મળી છે. વડોદરામાં શાળા કોલેજો અને દુકાનો ચાલુ જોવા મળી છે. અને સુરતમાં ફિલ્મ રિલીઝ ન થવાની હોવાના કારણે કરણી સેનાએ બંધનું એલાન મોકુફ રાખ્યું છે અને બધુ જ રાબેતા મુજબ ચાલી રહ્યું છે. સુરતમાં બધુ જ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે અને સાથે સુરત અને વડોદરામાં બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે.

તો પદ્માવતના વિરોધમાં મોરબી બંધ જોવા મળ્યું છે અને આ સાથે જ વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. તો મહેસાણા પાલનપુર, ભાવનગર, રાજકોટ અને સુરત તરફ જતી તમામ એસટી અને ખાનગી બસોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમામ થિયેટરો પર ગુજરાત પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. તો આ તરફ ભાવનગરમાં પણ બંધને સારો પ્રતિસાદ મળ્યો છે. માર્કેટીંગયાર્ડ સહિત ખાનગી ટ્રાવેલ્સની બસોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)