ગ્લોબલ કોલાબોરેટીવ લર્નિંગ એવોર્ડ મેળવનાર GTU દેશની પ્રથમ યુનિવર્સિટી

અમદાવાદ- વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે બે મહિના મોકલવાના કાર્યક્રમ માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ને ઈનોવેશન ઈન ગ્લોબલ કોલાબોરેટીવ લર્નિંગ એવોર્ડ હાંસલ થયો છે. મુંબઈમાં ગત સપ્તાહે યોજાયેલી વર્લ્ડ એજ્યુકેશન સમિટમાં જીટીયુના ઈન્ટરનેશનલ એક્સપિરીયન્સ પ્રોગ્રામ (આઈઈપી)ની કદરરૂપે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ઈનોવેશનની કેટેગરીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર જીટીયુ દેશની એકમાત્ર યુનિવર્સિટી છે. તેલંગાણા શિક્ષણ કમિશનર ડૉ.એ.અશોક અને ઈલેટ્સ ટેક્નોમિડીયાના સ્થાપક પ્રકાશક તથા સીઈઓ ડૉ. રવિ ગુપ્તાના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જીટીયુ તરફથી નાયબ નિયામક અને આઈઈપી વિભાગના વડા ડૉ. કેયુર દરજીએ આ એવોર્ડનો સ્વીકાર કર્યો હતો.

બે દિવસીય વિશ્વ શિક્ષણ પરિષદમાં સરકારી તેમજ ખાનગી શાળા-કૉલેજોના અગ્રણીઓ, કેળવણીકારો તથા શિક્ષણમાં ટેક્નોલોજીનો વ્યાપ વધારનાર કંપનીઓના સંચાલકોએ વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં રહેલા પડકારો અને તેને હલ કરવાના સંભવિત ઉપાયો વિશે ચર્ચાવિચારણા કરી હતી.પરિષદના અંતિમ દિવસે શિક્ષણક્ષેત્રે ઉજ્જવળ અને અનોખી કામગીરી બજાવનાર સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે જણાવ્યું હતું કે જીટીયુએ આંતરરાષ્ટ્રીય ઈનોવેટીવ યુનિવર્સિટીના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરના અભ્યાસનો અનુભવ મળે તેના માટે જીટીયુ ઈન્ટરનેશનલ એક્સપિરીયન્સ પ્રોગ્રામ (આઈઈપી) ચલાવે છે. જીટીયુ દર વર્ષે 400 વિદ્યાર્થીઓને પાંચ દેશોમાં વૈશ્વિક અનુભવ લેવા બે મહિના માટે મોકલે છે. જેમાં અમેરિકા, કેનેડા, જર્મની, રશિયા અને બલ્ગેરીયાનો સમાવેશ થાય છે.

આ યોજનામાં વિદેશમાં રહીને ત્યાંની યુનિવર્સિટીમાં ક્લાસરૂમમાં અભ્યાસ તથા હાઈટેક લેબોરેટરીમાં પ્રેક્ટીકલ જ્ઞાન મેળવવા ઉપરાંત ઔદ્યોગિક મુલાકાતો લેવાની અને ત્યાંના વિદ્યાર્થીઓ સંગાથે પરીક્ષા આપવાની તક પણ મળે છે. આટલું જ નહિ વિદ્યાર્થીઓને તે દેશની સંસ્કૃતિ અને રહેણીકરણી તેમજ જીવનશૈલિથી વાકેફ કરતા કાર્યક્રમો યોજીને પરસ્પર સાંસ્કૃતિક આદાનપ્રદાનની તક પણ આપવામાં આવે છે.

છેલ્લા આઠ વર્ષમાં 1800 વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે. એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ,ફાર્મસી, આર્કિટેક્ચર અને એમસીએ સહિત 17 વિભાગો માટે વિશ્વની 35 યુનિવર્સિટીઓ સાથે જીટીયુએ કરાર કરેલા હોવાથી વિદ્યાર્થીઓએ અભ્યાસની ફી ચૂકવવી પડતી નથી, પણ આવવા-જવાનો અને રહેવાનો ખર્ચ ભોગવવો પડે છે. તેની સામે વિદ્યાર્થીના સર્ટીફિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અભ્યાસ કર્યાનો ઉલ્લેખ અને પરદેશની ધરતી પર મેળવેલો અનુભવ જીવનમાં ઘણો ઉપયોગી બને તે હેતુસર આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.