GTU વિદ્યાર્થીઓ થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી અમેરિકાની સંસ્થા પાસે શીખશે, જીટીયુના કરાર

અમદાવાદઃ થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી વિશે વિદ્યાર્થીઓને અત્યાધુનિક તાલીમ આપવા અમેરિકાની યુએસ ઈન્સ્ટીટયુટ ઑફ થ્રીડી ટેકનોલોજી સાથે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ કરાર કર્યા છે.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.ડૉ. નવીન શેઠે આ માહિતી આપતા કહ્યું હતું કે મારા કેટલાક વિદેશ પ્રવાસ દરમિયાન મેં જોયું કે ત્યાંના વિદ્યાર્થીઓ લેટેસ્ટ ટેકનોલોજી વિશે જાણકારી મેળવવા હંમેશા ઉત્સુક હોય છે. તેઓ ઓનલાઇન માહિતી મેળવીને પછી તેનું પ્રેક્ટિકલ જ્ઞાન કેવી રીતે મળે તે બાબત પર ખાસ ધ્યાન આપતા હોય છે. જીટીયુના વિદ્યાર્થીઓને પણ લેટેસ્ટ ટેકનોલોજી વિશે જાણકારી મળી રહે તેના માટે અમે કેલિફોર્નિયાની સંસ્થા સાથે કરાર કર્યા છે અને તે જીટીયુના વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકોને પ્રેક્ટીકલ ઉપયોગી બનશે એવો અમને વિશ્વાસ છે.

જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડૉ એસ.ડી. પંચાલ અને અમેરિકાની સંસ્થાના સીઈઓ ડૉ.યોગી ગાંધીએ કરાર પર સહીસિક્કા કર્યા હતા. ડૉ.ગાંધીએ આ પ્રસંગે કહ્યું હતું કે આપણા દેશના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં થઈ રહેલા લેટડેસ્ટ રિસર્ચ અને ડેવલપમેન્ટ વિશે પ્રેક્ટીકલ જાણકારી મળી રહે તેના માટે આ કરાર કરવામાં આવ્યા છે. આ કરાર અંતર્ગત ગુજરાતના વિદ્યાર્થીઓને ઓન-હેન્ડ એક્સપિરીયન્સ પૂરો પાડતા વર્કશોપની મદદથી સર્ટિફિકેટ કોર્સ ઉપલબ્ધ બનાવવામાં આવશે.