સુરતમાં જીએસટી મુદ્દો ખરો પણ મત અપાવી શકશે કે કેમ?…

સુરતઃ શહેરમાં લગભગ ૧૮૫ ટેક્ષટાઇલ માર્કેટ છે જેમાં ૬૫,૦૦૦ જેટલી નાની મોટી દુકાનો છે. સમગ્ર દેશમાં લગભગ ૧૪ કરોડ લોકો કાપડ ઉધોગ સાથે સંકળાયેલા છે. એકલા સુરતમાં જ સીધા કે પરોક્ષ રીતે ૧૫ લાખ લોકો આ વેપાર સાથે સંકળાયા છે. આ એક અંદાજ મુજબ કૃષી પછી સૌથી વધુ રોજગાર કાપડ બજારમાં છે. સુરત એકલું ગુજરાત નહીં પણ ભારતના કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે. એવી જ રીતે સુરતમાં હીરા ઉદ્યોગ પણ છે અને એની ઉપર જીએસટીની અસર છે. નોટબંધી અને એ પછી જીએસટીની સૌથી મોટી અસર જમીન અને બાંધકામ ઉદ્યોગ ઉપર થઇ છે. ભાજપ શાસનના નોટબંધી અને જીએસટી જેવા બે મહત્વના પગલાની અસર આજે પણ સુરતના બજારમાં છે, અલબત્ત એની તિવ્રતા ઘટી ગઇ છે. બે કારણોથી વેપાર ઘટ્યો એ બધા કબુલ કરે, તકલીફનો એકરાર પણ કરે. તો મતદાનમાં એની અસર પડશે ને?

જીએસટી કાપડ ઉદ્યોગ ઉપર લાગુ જ ન કરવો જોઇએ એવી માંગ સાથે આખા દેશનું સૌથી લાંબુ અને અસરકારક આંદોલન સુરતમાં ૨૧ દિવસ ચાલેલું. એ સમયે તો એવું ચિત્ર ઉભું થયેલું કે કાપડ બજાર તો ભાજપની એકદમ વિરૂધ્ધ થઇ જશે. ડીસેમ્બર ૨૦૧૭ જ્યારે જીએસટીના વિરોધની આગ હજી થમી ન હતી ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ઉપર એની વ્યાપક અસર થશે એવું મનાતું. ખાસ તો સુરતની મજુરા, ચૌર્યાસી અને લીંબાયત ઉપર એની સીધી અસર થશેનો વર્તારો હતો. જીએસટી આંદોલનના નેતાઓએ પણ ભાજપને હરાવવા ચૂંટણી લડવાની તૈયારી કરી હતી. પરંતુ જે પરિણામ આવ્યું તેમાં જીએસટી કે નોટબંધીના આંદોલન અને નારાજગી ક્યાંય વર્તાઇ નહીં. ભાજપના ધારાસભ્યોની લીડમાં પણ કંઇ ઝાઝો ફેર ન પડ્યો. એનાથી વધુ અસર પાટીદાર આંદોલનની થઇ, પાટીદારોએ કોંગ્રેસને ભૂતકાળમાં ક્યારેય ન મળ્યા હોય એટલા વોટ ગઇ વિધાનસભામાં આપ્યા હતા. કોંગ્રેસના મત પાટીદાર વિસ્તારોમાં ચોક્કસ વધ્યા પણ સીટ ન મળી.

હવે લોકસભાની ચૂંટણી સામે છે. સરકારની નીતિઓના કારણે આજે પણ સુરતના કાપડ બજાર ઉપર નેગેટીવ અસર છે. ફેડરેશન ઓફ સુરત ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા)ના અધ્યક્ષ મનોજ અગ્રવાલ બહુ સ્પષ્ટ રીતે કહે છે, નોટબંધીની અસર અમારા વેપાર ઉપર અમુક ચોક્કસ સમગગાળા માટે દેખાઇ હતી. પરંતુ જીએસટીની અસર હજી પણ વર્તાઇ છે. અમારો જે વેપાર હતો તે ૪૦ ટકા ઘટી ગયો છે. નવો એકપણ વ્યક્તિ વેપારમાં આવતો નથી. એક સમયે રોજનું જે ૪ કરોડ મીટરનો ઉત્પાદન-વેપાર હતો એ ઘટીને હવે ૨.૫ કરોડ ઉપર આવી ગયો છે. એટલે વેપારમાં નુકશાન તો છે જ. એકબીજી સ્પષ્ટતા પણ કરી દઉં અમે ટેક્ષ આપવા માટે ના નથી કહેતા પરંતુ જીએસટીના નિયમો અને કાપડના વેપારનો વેપાર સુસંગત નથી થતો, અમને એમાં વધુ નુકશાન થાય છે. અમે આ કાયદાની જટીલતામાં સરળતાની માંગ કરીએ છીએ. અમારી અમુક માંગ સંતોષાઇ છે પણ હજી ઘણી બાકી છે.

મનોજ અગ્રવાલ જે વાત કરે છે એ લગભગ તમામ કરે છે. કાપડ ઉદ્યોગના પ્રોસેસર્સની ૫૦ થી વધુ ફેક્ટરી બંધ થઇ ગઇ છે અને હજી બીજી થશે. વિવર્સએ ૧ લાખથી વધુ લુમ્સ મશીન ભંગારમાં કાઢી નાંખ્યા. એમ્બ્રોઇડરીના મશીનો પણ ભંગારમાં જઇ રહ્યા છે અને નવા આવી નથી રહ્યા. ટ્રાન્સપોર્ટનો વેપાર ઘટ્યો છે એવી અનેક ફરિયાદ અને સમસ્યા સાંભળવા મળે. ચૂંટણીના સમયમાં આ બધાને મળીએ તો એમ જ લાગે કે આ બધા જ સરકાર વિરૂધ્ધ મત કરશે. પરંતુ કરતા નથી, એનું શું કારણ? મનોજ અગ્રવાલ કહે છે, વેપાર ચાલવા માટે શાંતિ જરૂરી છે. ભાજપના શાષનમાં શાંતિ છે એવો વિશ્ર્વાસ તમામ વેપારીઓને છે. અમે આંદોલન કર્યુ પણ અમારી માંગ માટે કર્યુ, વેપારની સરળતા માટે કર્યુ હતું. સરકાર જેવું ઇચ્છે છે તેવો વેપાર થવામાં સમય લાગશે, એક ઝાટકે બધુ અને બધા બદલાય ન જાય. પણ સરકાર જો ધ્યાન નહીં રાખે તો અમારા ઉદ્યોગનો વિકાસ અટકી જશે જે છેલ્લા બે વર્ષથી અટક્યો છે. પણ સરકાર સામે અમને પ્રશ્ર્નો છે પરંતુ એની વિરૂધ્ધ મત નથી આપતા. મનોજ અગ્રવાલની વાતમાં સ્પષ્ટતા છે અને ઉદ્યોગનો સુર પણ છે.

જીએસટી આંદોલનની સૌથી વધુ અસર સુરતની મજુરા વિધાનસભા ઉપર થશે એવા વર્તારા હતા. કારણ ટેક્ષટાઇલ ઉદ્યોગના મહત્તમ લોગો આ એક જ વિધાનસભા વિસ્તારમાં વસે છે. છતા એની કોઇ અસર ન થઇ. અહીંથી બીજી વખતના ધારાસભ્ય અને ભારતિય જનતા પાર્ટી યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હર્ષ સંઘવી કહે છે, ૨૦૧૭ની ચૂંટણીમાં જીએસટી અને નોટબંધીના જવાબ મળી ગયા છે. મારી લીડ ૨૦૧૨ કરતા ૨૦૧૭માં વધી, એટલી નારાજગી હતી તો એની સીધી અસર મારા પરિણામ ઉપર પડવી જોઇતી હતી. ખરેખર જીએસટીનું આંદોલન રાજકિય હતું એવું લોકોને પણ દેખાયું એટલે જ તો એમણે અમને મત આપ્યા. તકલીફ પડી છે એમાં ના નહીં. પરંતુ લોકોને ખબર છે કે જીએસટી અને નોટબંધી એ દેશમાં સુધારા માટે જ લાવવામાં આવી છે. જીએસટી અને નોટબંધીને કારણે સામાન્ય લોકોને તો વસ્તુઓ સસ્તી જ મળતી થઇ છે. હવે આ ચૂંટણીમાં તો આ કોઇ મુદ્દો જ નથી રહેવાનો.

જ્યાં સુધી વિરોધપક્ષની વાત છે ત્યાં સુધી એમને આ મુદ્દો બહુ ગંભીર લાગે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સુરતની મુલાકાતે આવેલા અને દિલ્હી જઇ પોતાની મુલાકાતનો એક ખાસ વિડીયો પણ બનાવેલો. આ વિડીયોમાં એમની સામે ઉદ્યોગના લોકો અને કારીગરોએ રજૂ કરેલી મુશ્કેલીઓની સાથે પોતાની વાત મૂકી હતી. આ બધું કરવા છતા થોડા મત કોંગ્રેસને વધુ મળ્યા પણ સુરતમાંથી એકપણ સીટ મળી શકી ન હતી. સુરતમાં વિધાનસભાની કામરેજ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે હારેલા અને સુરત મહાનગરપાલીકાના કોર્પોરેટર અશોક જીરાવાલા પોતે ફોગવા (ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશન)ના અધ્યક્ષ પણ છે.

ફોગવા હજી પણ જીએસટીના કારણે વિવર્સને પડી રહેલી મુશ્કેલી અંગે કાનૂની અને સરકાર સામેની લડત ચલાવી રહ્યા છે. અશોક જીરાવાલા કહે છે, અમારા કુલ મળીને ૧૨૦૦ કરોડ જેટલા સરકાર પાસે લેવાના થાય છે, જે સરકાર હજી ચૂકવતી નથી. આ નાણાં જીએસટીની ગુંચવણોના કારણે જ અટક્યા છે. અમારી પરસેવાની કમાણી સરકાર દબાવીને બેઠી છે, સરકાર ઉદ્યોગ સાથે દુશ્મન જેવો વ્યવહાર કરે છે. એક પાર્ટીના નેતા તરીકે નહીં પણ ઉદ્યોગના એક સંગઠનના આગેવાન તરીકે હું આ વાત કરું છું. દરવર્ષે ૧૫૦-૨૦૦ કરોડના ઉઠમણા થાય છે અને અમને એનું નુકશાન થાય છે, એ સામે અમને કોઇ રક્ષણ નથી મળતું. આર્થિક ગુના માટે અલાયદી બ્રાંચ બનાવવાની બાંહેધરી નાયબ મુખ્યમંત્રીએ આપી હતી એ હજી પાળી નથી. મહારાષ્ટ્ર કરતા વિજળી મોંધી છે છતા અમારી વાત સરકાર ધ્યાન પર લેવાતી નથી.

અશોક જીરાવાલા કામરેજ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, જ્યાં પાટીદાર આંદોલનની સૌથી વ્યાપક અસર હતી છતા એમને હારનો સામનો કરવો પડ્યો હતો. અશોક જીરાવાલાએ એ ઇવીએમ સામે પ્રશ્ર્નો ઉભા કરીને કોર્ટ કેસ કર્યો છે. અશોક જીરાવાલા કહે છે, આટલા બધા પ્રશ્ર્નો છે, લોકો અમે તમને મત આપ્યા છે છતા મત અમને મળતા નથી એટલે સ્વાભાવિક અમને શંકા થાય છે. અમને સમજાતુ નથી કે લોકોએ અમને આપેલા મત ક્યાં ગયા છે? જીએસટી, નોટબંધી ના અણધડ અમલના કારણે સુરતના કાપડ, હીરા અને રીઅલ એસ્ટેટ દરેક ક્ષેત્રના લોકો પરેશાન છે. ધંધો બંધ થઇ જાય એટલી ભીતી છે જો આ સરકાર પાછી આવી તો. આટલી નારાજગી છતા પણ મત ન મળે એ કઇ રીતે માની લઇએ?

સુરતના હીરા ઉદ્યોગમાં પણ જીએસટીના કારણે નુકસાન થયું છે. સાથે જ નીરવ મોદી – મેહુલ ચોક્સી ઘોટાળા બાદ બેંકોએ ધિરાણ આપવાનું ઘટાડી દીધું છે. હીરા ઉદ્યોગના પ્રથમ 100 મોટા ઉદ્યોગકરો અને વેપારીઓ સિવાય બાકી બધા મધ્યમ અને નાના લોકોની હાલત બહુ ખરાબ છે. એટલે એમની નારાજગી પણ છે.

અશોક જીરાવાલા જેવા દરેક કોંગ્રેસીને સમજાતુ નથી કે આંદોલનમાં હજારો લોકો એમની સાથે આવતા હોય છે. દર ત્રીજો-ચોથો માણસ સરકારથી નારાજ છે છતા એમને મત કેમ મળતા નથી? આ પ્રશ્ર્ન તો વ્યાપક છે પણ એનું પરીણામ તો ૨૩મી મે એ જ મળશે. જીએસટી, નોટબંધીની અસર વ્યાપક, તિવ્ર અને તાજી હતી ત્યારે પણ જો લોકોએ ભાજપને જ મત આપ્યા હતા તો હવે શું એ પોતાનો નિર્ણય બદલશે?

(અહેવાલઃ ફયસલ બકીલી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]