પરપ્રાંતીય દ્વારા દુષ્કર્મ ઘટનાનો રેલો ચાંદલોડિયામાં, તોડફોડ સાથે જૂથ બાખડ્યાં

અમદાવાદઃ ચાંદલોડિયાના  અર્બુદાનગર, શ્રીજીપાર્ક, રાધિકા નગરપાસેના વિસ્તારોમાં રાત્રિના સમયે મોટી સંખ્યામાં ધસી આવેલા ટોળાએ ચોક્કસ સમુદાયને ટાર્ગેટ બનાવી તોડફોડ કરી હતી. અજાણ્યા ટોળાએ અચાનક કરેલા હુમલામાં લારીઓ, ગાડીઓ , ટેમ્પા, અને બાઇકોની મોટી સંખ્યામાં તોડફોડ કરાઇ હતી. હાલ આ ગીચ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાત્રે થયેલી તોડફોડ અને બૂમાબૂમ, હાકલા પડકારાથી આ વિસ્તારની પ્રજા અત્યંત ભયભીત થઈ ગઈ છે.

સાબરકાંઠાના ઢુંઢર ગામે 14 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાની ઘટનાના પડધા અમદાવાદમાં પડયા હોય એમ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં હિન્દીભાષી રહેવાસીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. અર્બુદાનગર વિસ્તારમાં રહેતા હીન્દીભાષીઓ અને ઠાકોર સમાજના લોકો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેના પગલે એક કોમના 100 જેટલા લોકોના ટોળાંએ બીજી કોમના ઘરોમાં ઘૂસી તોડફોડ કરીવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બહાર પડેલી લારીઓ અને વાહનોની પણ તોડફોડ કરી હતી. જોકે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસ સમયસર આવી પહોંચતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)