શાસક અને વિપક્ષનો એકસૂર, ધારાસભ્યોના પગારમાં વધારો મંજૂર

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સભ્યો, વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, પ્રધાનો, વિરોધપક્ષના નેતાઓ સહિતના પદાધિકારીઓના પગાર – ભથ્થા સુધારા વિધેયકને સર્વાનુમતે મંજૂરી મળતા હવેથી ધારાસભ્યોને સરકારના નાયબ સચિવ કક્ષાના વર્ગ-૧ના અધિકારીને સમકક્ષ મૂળ પગાર મળવાપાત્ર થશે. જ્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, પ્રધાનો, વિરોધપક્ષના નેતાઓ સહિતના અન્ય પદાધિકારીઓને ધારાસભ્યોને મળવાપાત્ર મૂળ પગારના ૨૫ ટકા વધુ મૂળ પગાર વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, પ્રધાનો અને વિરોધ પક્ષના નેતાઓના પગાર અને ભથ્થાને લગતા વિધેયક, ૨૦૧૮ને ગૃહમાં રજૂ કરતા સંસદીય બાબતોના રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, દેશના અન્ય રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યો સહિત પદાધિકારીઓની સરખામણીમાં ગુજરાત વિધાનસભાના સભ્યો અને પદાધિકારીઓને મળતા પગાર અને ભથ્થા ઓછા છે. વર્ષ- ૨૦૦૫થી તેમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. ધારાસભ્યોને જન સંપર્કની કામગીરી અર્થે સતત પ્રવાસો કરવા પડતા હોવાથી અને કાર્યાલય ખર્ચમાં પણ વધારો થયો હોવાથી પગાર-ભથ્થામાં વધારો આવશ્યક બન્યો છે.

પ્રદિપસિંહ જાડેજાએ આ સુધારા વિધેયકને રજૂ કરતા જણાવ્યું કે, હાલમાં ધારાસભ્યોને રાજ્ય સરકારના ઉપ સચિવને મળવાપાત્ર લધુત્તમ મૂળ પગારને બદલે નાયબ સચિવની કક્ષામાં મળવાપાત્ર લધુત્તમ મૂળ પગાર મળવાપાત્ર થશે. આ સુધારા અન્વયે ધારાસભ્યોને મળતા એકત્રિત ભથ્થા, ટેલિફોન ભથ્થુ, અંગત મદદનીશ ભથ્થુ, ટપાલ અને લેખન સામગ્રી અને મૂળ પગાર રૂા. ૫૬,૧૦૦ સહિત પ્રતિમાસ રૂા. ૭૦,૭૨૭ મળતા હતા તેને બદલે નવી જોગવાઇ મુજબ મૂળ પગાર રૂા. ૫૬,૧૦૦ના સ્થાને રૂા. ૭૮,૮૦૦, મોંઘવારી ભથ્થું રૂા. ૪,૬૨૭ના બદલે હવે મોંઘવારી ભથ્થું રૂા. ૫,૫૧૬, ટેલિફોન ભથ્થું રૂા. ૪,૦૦૦ના બદલે રૂા. ૭,૦૦૦, અંગત મદદનીશ ભથ્થું રૂા. ,૩,૦૦૦ના સ્થાને રૂા. ૨૦,૦૦૦ તથા ટપાલ અને સામગ્રી ભથ્થું રૂા. ૩,૦૦૦ના બદલે રૂા. ૫,૦૦૦ મળીને પ્રતિમાસ રૂા. ૭૦,૭૨૭ના બદલે હવે રૂા. ૧,૧૬,૩૧૬ કરવાની જોગવાઇ સૂચવવામાં આવી છે. એટલે કે, ધારાસભ્યોને પ્રતિમાસ રૂા. ૪૫,૫૮૯ જેટલી વધુ રકમ મળવાપાત્ર થશે.

પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, હાલમાં વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, પ્રધાનો અને વિરોધપક્ષના નેતા સહિતના પદાધિકારીઓને ધારાસભ્યોને મળતા મૂળ પગાર કરતા ૨૫ ટકા વધુ મૂળ પગાર મળે છે. તેમાં સૂચિત જોગવાઇ અનુસાર મૂળ પગાર રૂા. ૭૦,૧૨૫ના સ્થાને રૂા. ૯૮,૫૦૦, એકત્રિત ભથ્થું રૂા. ૭,૦૦૦ના બદલે રૂા. ૨૦,૦૦૦, વાહન ભથ્થું રૂા. ૪,૦૦૦ના બદલે રૂા. ૭,૦૦૦ મોંઘવારી ભથ્થું રૂા. ૫,૬૭૯ના સ્થાને રૂા. ૬,૮૯૫ ચૂકવવામાં આવશે. સભ્ય સિવાયના પદાધિકારીઓને પ્રતિમાસ રૂા. ૮૬,૮૦૪ના બદલે નવી જોગવાઇ મુજબ પ્રતિમાસ રૂા. ૧,૩૨,૩૯૫ મળવાપાત્ર થશે. એટલે કે પદાધિકારીઓને પ્રતિમાસ રૂા. ૪૫,૫૯૧ જેટલી વધુ રકમ મળવાપાત્ર થશે.

ચૌદમી વિધાનસભાની પ્રથમ બેઠકની તારીખથી અને પદાધિકારીઓને સૂચિત પગાર ભથ્થા વધારાનો લાભ હાલની વિધાનસભાની રચના થયા તારીખ એટલે કે તા. ૨૨-૧૨-૨૦૧૭થી મળવાપાત્ર થશે.

સંસદીય બાબતોના રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, વિધાનસભા સભ્યોના પગાર તથા ભથ્થા બાબત અધિનિયમ,૧૯૬૦ની કલમ-૪ મુજબ સભ્યોને હાલ દૈનિક ભથ્થું રૂા. ૨૦૦ મળે છે તે વધારીને રૂા. ૧,૦૦૦ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. વિરોધપક્ષના નેતાને હાલ પ્રતિમાસ ટપાલ ખર્ચના રૂા. ૧,૦૦૦ મળે છે તેને વધારીને રૂા. ૧૦,૦૦૦ કરવામાં આવશે.

દેશના અન્ય રાજ્યોના ધારાસભ્યોને હાલમાં મળતા પગાર – ભથ્થાની વિગતો નીચે પ્રમાણે છે.

ક્રમ રાજ્યનું નામ ધારાસભ્યશ્રીના પગાર – (ભથ્થા સહિત)
૧. ઉત્તરાખંડ ૨,૯૧,૦૦૦
૨. તેલંગાણા ૨,૫૦,૦૦૦
૩. ઝારખંડ ૨,૨૫,૦૦૦
૪. મહારાષ્ટ્ર ૨,૧૩,૧૩૦
૫. હિમાચલ પ્રદેશ ૨,૧૦,૦૦૦
૬. ઉત્તર પ્રદેશ ૧,૯૫,૦૦૦
૭. હરીયાણા ૧,૬૫,૦૦૦
૮. જમ્મુ – કાશ્મીર ૧,૬૦,૦૦૦
૯. દિલ્લી ૧,૩૪,૦૦૦
૧૦. આસામ ૧,૩૦,૦૦૦
૧૧. રાજસ્થાન ૧,૩૦,૦૦૦
૧૨. પંજાબ ૧,૧૪,૦૦૦
૧૩. બિહાર ૧,૧૪,૦૦૦
૧૫. પશ્ચિમ બંગાળ ૧,૧૩,૦૦૦

 

જ્યારે ગુજરાતના ધારાસભ્યોને હાલ પ્રતિમાસ રૂા. ૭૦,૭૨૭/- (પગાર- ભથ્થા સહિત) મળે છે. સૂચિત સુધારા અન્વયે હવે ગુજરાતના ધારાસભ્યોને પ્રતિમાસ રૂા. ૧,૧૬,૩૧૬/- (પગાર-ભથ્થા સહિત) મળવાપાત્ર થશે. જે દેશના અન્ય રાજ્યોની સમકક્ષ થશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]