રિનોવેટ થયેલા વિધાનસભા ગૃહનું 19 ફેબ્રુઆરીએ રાજ્યપાલના હસ્તે ઉદઘાટન

ગાંધીનગર– ચૌદમી વિધાનસભાનું પહેલું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીને સોમવારથી શરૂ થઈ રહ્યું છે. નાણાંપ્રધાન નિતીનભાઈ પટેલ 20 ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્યનું વર્ષ 2018-19 માટેનું બજેટ રજૂ કરશે. 19 ફેબ્રુઆરીના રોજ નવી વિધાનસભામાં રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે રિનોવેટ થયેલ વિધાનસભાના નવા બિલ્ડિંગનું ઉદઘાટન કરાશે. ત્યારબાદ ગૃહને રાજ્યપાલ સંબોધન કરશે.ગુજરાત વિધાનસભાની બિલ્ડિંગના રીનોવેશન પાછળ કુલ રૂપિયા 135 કરોડનો ખર્ચ કરાયો છે. હાલ નવનિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે, અને ફાઈનલ ટચ આપવાની કામગીરી અંતિમ તબક્કામાં છે.

ગુજરાત વિધાનસભાને વધુ સ્પેસવાળી બનાવવામાં આવી છે. જગ્યાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને બિલ્ડીંગમાં ફેરફારો કરાયા છે. મુખ્યપ્રધાન અને વિરોધ પક્ષના નેતા તેમજ પ્રધાનોની ચેમ્બર્સને વધુ મોટી બનાવાઈ છે. ધારાસભ્યોની બેઠક વ્યવસ્થાને પણ વધુ જગ્યા ફાળવી છે. ઈલેક્ટ્રોનિક મિડિયાને ઈન્ટરવ્યૂ લેવા માટેની ગ્રાઉન્ડ ફ્લોર પર અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે. તેમજ પબ્લિશ કેન્ટિન અને કર્મચારીઓ માટેની કેન્ટિનને વધુ વિશાળ અને આકર્ષક બનાવાઈ છે.