ભેળસેળીયાઓ સાવધાન, અનાજ-કરિયાણામાં ભેળસેળ કરવા પર થશે મોટી સજા

અમદાવાદઃ અનાજ અને કરિયાણામાં ભેળસેળ કરાના લોકો પર હવે ગાળીયો કસાઈ રહ્યો છે. હવેથી જે વ્યાપારીઓ અનાજ અને કરિયાણામાં ભેળસેળ કરશે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આના માટે સરકાર પોતાના અખાદ્ય સુરક્ષા કાયદામાં મોટા બદલાવ કરવાની તૈયારી કરી રહી છે. નવા કાયદાનું માળખું તૈયાર થઈ રહ્યું છે અને આ કાયદા અનુસાર અનાજ અને કરિયાણામાં ભેળસેળ કરનારા લોકો પર કાયદાનો સકંજો કસાશે. નવા કાયદા અનુસાર અનાજ અને કરિયાણા અથવા તો ખાણીપીણીની વસ્તુઓમાં જે લોકો દ્વારા ભેળસેળ કરવામાં આવશે તેમને આજીવન કેદ અને દસ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.

ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નવા કાયદાના મુસદ્દા પર જનતા અને સંબંધિત પક્ષો પાસેથી અભિપ્રાય માંગ્યો છે. વર્તમાન સમયમાં કાયદામાં રહેલી ખામીઓને કારણે ભેળસેળીયાઓ મામૂલી સજા ભોગવીને છૂટી જાય છે. અને પાછા ભેળસેળ કરવા લાગી જાય છે. ભેળસેળના કારણે જો કોઈનું મૃત્યું થાય તો વેપારીને આજીવન કારાવાસની સજા છે. મુસદ્દા અનુસાર નવો કાયદો બનતા, ભેળસેળીયાઓ વિશે જે સજા છે તેના દાયરામાં એક્સપોર્ટર્સ પણ આવી જશે.

નવા કાયદા હેઠળ ખાણી-પીણીના સામાનને આયાત કરનારાઓની પણ જવાબદારી નક્કી થશે. અત્યારે એમના પર કોઈ કાર્યવાહી થતી નથી. મુસદ્દા અનુસાર ગ્રાહકોની પરિભાષામાં બદલાવ લવાશે. તો સાથે જ પશુઓના ખાદ્ય પદાર્થ પણ કાયદાના દાયરામાં આવી જશે.

અનાજ કરિયાણા, ખાણી- પાણીમાં થતી ભેળસેળ પર કડક નજર રાખવામાં આવશે. મહત્વનું છે કે કાયદો ન હોવાના કારણે ભારતમાં ભેળસેળીયાઓ ફાવી ગયા પરંતુ હવે તે લોકો પર ગાળીયો કસાશે. FSSAIએ પોતાના સર્વે દ્વારા આ વાતની તપાસ કરી છે. મહત્વનું છે કે ભેળસેળના મામલાઓ મોટેભાગે તહેવારો પર વધુ બહાર આવતા હોય છે પરંતુ હકીકત એ છે કે ભેળસેળ દરરોજ થાય છે.