સરકારનો આદેશઃ વધારાની ફી પરત ન કરતી શાળા સામે પગલાં ભરો

ગાંધીનગર- મનમાની ફી વસૂલતી ખાનગી શાળાઓ પર સિકંજો કસતાં શિક્ષણવિભાગે વધુ એક પગલું ભર્યું છે. શિક્ષણવિભાગના સચીવ દ્વારા તમામ ડીઇઓને આદેશ આપવામાં આવ્યો છે કે કોશન મની-વધારાની ફી પરત ન કરનાર શાળાઓ સામે પગલાં લેવાં. આ સાથે અમદાવાદની શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આવતા વર્ષ માટે એડમિશન પ્રક્રિયાના દિવસોમાં ખાનગી શાળાઓ દ્વારા ફી નિયમન કાયદાની એસીતૈસી કરીને મનમાની ફી વસૂલ કરવાનું ચાલુ રહેતાં વાલીઓમાં વ્યાપક રોષ ફેલાયો છે અને વાલીમંડળો ઉગ્ર બની રહ્યાં છે. આ સ્થિતિમાં સરકારે ફી મુદ્દે નિર્ણયાત્મક પગલું ભર્યું છે. કોશનમની-વધારાની  પરત ન કરનાર શાળાઓનો રીપોર્ટ ડીઇઓ અને ડીપીઇઓ દ્વારા તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ સાથે આદેશ કરવામાં આવ્યો છે કે અગાઉ ભણી ચૂકેલાં વિદ્યાર્થીઓની પણ વધારાની ફી પરત કરવાની રહેશે. શાળાના ફંડનો ઉપયોગ અંગત હેતુ માટે થતો હોવાનું બહાર આવ્યું છે જેને લઇને સરકારે લાલ આંખ કરી છે. શાળાઓએ પ્રવેશ સમયે લીધેલી બાયંધરી ફી પણ પરત આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જૂના વિદ્યાર્થીઓને એલસી સાથે 30 દિવસમાં બાયેંધરી ફી પરત કરી દેવા શાળાઓને સૂચના આપવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]