ચેઇન સ્નેચર્સ પર સરકારની લાલ આંખ, લાવશે આ વટહુકમ

ગાંધીનગર-. રાજ્ય સરકારે મહિલા સુરક્ષા માટે વધુ એક કદમ ભરતાં ચેઇન સ્નેચિંગ અંગે નિર્ણય લીધો છે. મંગળસૂત્ર, ચેઇન અને કીમતી ઘરેણા જેવી સ્નેચિંગની ઘટનાઓને અંકુશમાં લેવા માટે કડક હાથે કામ લેવા આઇપીસીમાં નવી કલમો ઉમેરીને રાજ્ય સરકારે કડકમાં કડક સજા કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે સરકાર વટહુકમ બહાર પાડશે.ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મહિલાઓને વધુ સુરક્ષા પૂરી પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે.

કાયદાપ્રધાને જણાવ્યું હતું કે આ  નિર્ણયના પરિણામે ચેઇન સ્નેચીંગના ગુન્હા ઘટશે અને જાનમાલનું રક્ષણ થશે. હાલ IPC  કલમ હેઠળ આવા ગુન્હા માટે ચોરીની ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે જે અપૂરતી છે જેને ધ્યાને લઇને આ વટહુકમ દ્વારા IPC માં નવી કલમ ૩૭૯(ક) અને ૩૭૯(ખ) નો ઉમેરો કરવાનો નિર્ણય કરાયો છે.

આ વટહુકમને આધારે ચીલઝડપનો પ્રયત્ન કરનાર વ્યકિતને ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂા.રપ,૦૦૦ દંડ થઇ શકશે. જ્યારે સોનાની ચેઇન જેવી વસ્તુઓ ચોરી જનાર વ્યકિતને ઓછામાં ઓછા સાત વર્ષની સજા અને રૂા.રપ,૦૦૦ નો દંડની જોગવાઇ કરવામાં આવી છે. કલમ ૩૭૯(ક) ૪ હેઠળ ચેઇન આંચકી જવાનો પ્રયત્ન કરનાર વ્યકિત નાસી જવાના ઇરાદાથી કોઇ વ્યકિતને ઇજા કરે અથવા ઇજા કરવાનો ભય ઉભો કરે તેને પણ વધુ ત્રણ વર્ષની સખત કેદની સજા સૂચવવામાં આવી છે.આ ઉપરાંત ૩૭૯(ખ) મુજબ આંચકી લીધેલ મિલકત રાખી લેવા માટે કોઇ વ્યકિતનું મૃત્યુ નીપજાવવા કે અવરોધ ઉભો કરી મૃત્યુ કે ઇજા પહોંચાડવા બદલ કે તેમ કરવાના પ્રયત્ન કરવા બદલ ઓછામાં ઓછા સાત વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સખત કેદની અને રૂા.રપ,૦૦૦ ના દંડની જોગવાઇ કરાઇ છે. આ વટહુકમને કારણે ચેન-સ્નેચીંગ ગુન્હા કરતા ગુન્હેગારોને આકરી સજા થઇ શકશે અને તેને કારણે રાજ્યમાં આવા ગુન્હા બનતા અટકાવી શકાશે તેમ જાડેજાએ ઉમેર્યુ હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]