ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવા રાજ્ય સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ટેકાના ક્વિન્ટલ દીઠ રૂ.4890ના ભાવ ઉપર રાજ્ય સરકાર રૂ. 110 બોનસ આપશે જેથી ક્વિન્ટલ દીઠ રૂ.5,000ના ભાવે મગફળીની ખરીદી થશે. ગત વર્ષે મગફળીની ખરીદીમાં થયેલી ગેરરીતિઓ બાદ ખરીદી પ્રક્રિયામાંથી ગુજકોટની બાદબાકી કરીને નાફેડ સાથે નોડલ એજન્સી તરીકે નાગરિક પુરવઠા નિગમને જવાબદારી સોંપાઈ છે. 1થી 30 નવેમ્બર સુધી ઓનલાઇન નોંધણી કરાશે જ્યારે 15 નવેમ્બરથી 122 સેન્ટરો પર ખરીદી થશે.

કૃષિ મંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે નોંધણી વખતે 7-12, 8-અની નકલો, પાક વાવણી અંગેનો દાખલો, આધાર કાર્ડની નકલ અને આઇએફએસસી સહિત બેન્ક એકાઉન્ટની વિગત, પાસબુક અથવા કેન્સલ્ડ ચેક રજૂ કરવાના રહેશે. તમામ 122 ખરીદ કેન્દ્રો એપીએમસી ખાતે જ શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા હાલ કુલ ૧૨૨ ખરીદ કેન્દ્રો પરથી મગફળીની ખરીદીની શરૂઆત થશે. તમામ ખરીદ કેન્દ્રો એપીએમસી ખાતે જ શરૂ કરવામાં આવશે. ખરીદ પ્રકિયા દરમ્યાન ખરીદ કેન્દ્ર ખાતે સીસીટીવી કેમેરાની સુવિધા રાખવામાં આવશે તથા તેના ફુટેજ સંગ્રહિત કરવામાં આવશે. ખરીદ કેન્દ્ર ખાતે દરરોજ ખરીદી પ્રકિયાનું વિડીયો રેકોડીંગ કરવામાં આવશે. ખરીદ કેન્દ્ર ખાતે દરરોજ સર્વેલન્સ માટે વર્ગ-૧ના નાયબ કલેકટર કક્ષાના અધિકારીની આગેવાની હેઠળ સ્કવોડની રચના કરી ખરીદ કેન્દ્રની સમયાંતરે ચકાસણી કરવામાં આવશે.

મગફળી ખરીદીમાં ગેરરીતિ ન થાય તે માટે તમામ ખરીદ કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરાની સુવિધા રખાશે અને સમગ્ર ખરીદી પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડીંગ કરાશે. કેન્દ્રો ખાતે દરરોજ સર્વેલન્સ માટે નાયબ કલેક્ટર કક્ષાના ક્લાસ-1 ઓફિસરની આગેવાની હેઠળ સ્ક્વોડની રચના કરાશે. આ સ્કવોડ દ્વારા ખરીદ કેન્દ્રોની સમયાંતરે ચકાસણી કરાશે.

રાજ્યમાં 14.68 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. જેમાં કુલ 26.95 લાખ મેટ્રીક ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. હેકટર દીઠ સરેરાશ ઉત્પાદકતા 1836 કિલો રહેવાની ઘારણા છે. ખરીદ કેન્દ્રો ખાતે એક દિવસમાં વધુમાં વધુ 1750 કિલો મગફળી ખરીદવામાં આવશે અને એક ખેડૂત પાસેથી વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં ખરીદી કરાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]