ST કર્મીઓ-શિક્ષકોના પ્રશ્નો નિવારવા સરકારે રચી કમિટી, શિક્ષક હડતાળ સમેટાઈ…

ગાંધીનગર- માસ સીએલ સહિત અચોક્કસ હડતાળ પર ઉતરેલા એસ.ટી. કર્મચારીઓ તથા પ્રાથમિક શિક્ષકોના વિરોધ કાર્યક્રમોની તીવ્રતાને લઈને તેમના પ્રશ્નોની ચર્ચા-વિચારણા માટે સરકાર દ્વારા ત્રણ પ્રધાનોની કમિટીની રચના કરવામાં આવી છે. સાથે જ સમાચાર મળી રહ્યાં છે કે શિક્ષણપ્રધાન સાથેની બેઠકમાં આગેવાનોએ હડતાળ સમેટી લેવાની હા પાડી છે ત્યારે ગાંધીનગરમાં વિરોધ કાર્યક્રમ યોજી રહેલાં શિક્ષકોએ આ સમાધાનનો વિરોધ કરતાં રોષ વ્યક્ત કર્યો હતો.

કમિટીમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, કૃષિપ્રધાન આર. સી. ફળદુ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રજાની મુશ્કેલી દૂર થાય તે માટે આંદોલનકારી કર્મચારીઓને આ કમિટી સાથે વાતચીત અંગે સકારાત્મકતાથી વાટાઘાટો માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો.

સીએમ રુપાણીએ નીમેલી આ કમિટી એસ. ટી. કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના હાલ ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરશે. તેમ જ આંદોલનકારી કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે અને પ્રજાવર્ગોને આ આંદોલનને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વાટાઘાટના ટેબલ પર બેસી સાથે મળી ચર્ચા વિચારણા કરી સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવશે.

સીએમે કર્મચારી મંડળોને પણ અનુરોધ કર્યો છે કે સરકારે ભૂતકાળમાં અને હાલની સ્થિતિમાં પણ વાતચીત વાટાઘાટોથી સમસ્યાઓ નિવારવાની ભૂમિકા નિભાવી જ છે ત્યારે આંદોલનકારી કર્મચારીઓ આ કમિટી સાથે વાતચીત અંગે સકારાત્મકતાથી વાટાઘાટો માટે આગળ આવે.

આંદોલનકારી કર્મચારીઓ પણ પ્રજાને તેમના આંદોલનથી પડી રહેલી મુશ્કેલી દૂર થાય અને સમાજનું વ્યાપક હિત જળવાય તે હેતુસર આંદોલન પાછું ખેંચે અને પ્રજાને મદદરૂપ થાય તેવી અપીલ પણ સીએમ રુપાણીએ કરી છે.