રાજકોટઃ દલિત મૃતકના પરિવારને 8.25 લાખની સરકારી સહાય જાહેર

ગાંધીનગરરાજકોટમાં બનેલા દલિત યુવકની હત્યાના બનાવમાં ગુજરાત સરકાર દ્વારા મૃતકના પરિવારને સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અધિકારીતાપ્રધાન ઇશ્વર પરમાર અને ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શાપર-વેરાવળના બનાવ સંદર્ભે સરકારે સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે અને શાપર-વેરાવળ ખાતેની ઘટનામાં મૃત્યુ પામનાર મૂકેશભાઇ સવજીભાઇ વાણીયાના પરિવારજનો માટે તાત્કાલિક રુપિયા 8.25 લાખની સહાય મંજૂર કરી છે. તેમણે જણાવ્યું કે શાપર-વેરાવળ ખાતે રાદડીયા ફેકટરી સામે અનુસૂચિત જાતિના મુકેશભાઇ વાણીયા ૪-૫ દિવસથી ભંગાર વીણતા હતા, આ બાબતે રાદડીયા ફેકટરીના વ્યક્તિઓ સાથે બોલચાલ થતાં ઝઘડો થયો હતો અને મારામારીના પરિણામે મૂકેશભાઇ સવજીભાઇ વાણીયાનું મૃત્યુ થયું હતું. આ સમાચાર મળતાં રાજ્ય સરકાર દ્વારા ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને લઇને સામેથી ત્વરિત કાર્યવાહી કરવા આદેશો આપ્યાં હતાં. જેના પરિણામે બનાવમાં સંડોવાયેલા ચારેય આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેઓની સામે કાયદાકીય રીતે કામગીરી બનતી ત્વરાએ કરવા જરૂરી સૂચનાઓ પણ સંબંધિતોને આપી દેવાઇ છે.રાજ્ય સરકાર દ્વારા બનતી ત્વરાએ લીધેલ પગલાંના પરિણામે મૃતકના વતનમાં મરણ પામનારની અંતિમવિધિ સંપન્ન થઇ શકી છે. રાજ્ય સરકાર દ્વારા ભોગ બનનારના વારસદાર તેમના પત્ની ચંપાબેન વાણીયાને રુપિયા 8.25 લાખની સહાય મંજૂર કરી છે. જેમાં 50 ટકા મુજબ 4,12,500 ઉપરાંત અનાજ કઠોળ માટે કુટુંબની ચાર વ્યક્તિના રૂ.500 લેખે ત્રણ માસના રૂ.6,000 મંજૂર કરીને રૂ.4,18,500નો ચેક પણ આપવામાં આવ્યો છે.

તમામ પ્રકારની મદદ-સહાય પૂરી પાડવા માટે મુખ્યપ્રધાનના માર્ગદર્શન સાથે આ ઘટના સંદર્ભે તેમણે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી પરિવારજનો પર આવી પડેલ દુ:ખને સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે તેવી દિલસોજી પાઠવી છે.