IIM કેઓસ કાર્યક્રમમાં સ્વર્ણિમ એન્ટ્રપ્રિન્યર ઓફ ધ યર સ્પર્ધા યોજાઇ

અમદાવાદ– ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આઇઆઇએમ અમદાવાદમાં કેઓસ કાર્યક્રમના ભાગરૂપે સ્વર્ણિમ એન્ટ્રપ્રિન્યર ઓફ ધ યર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં આઇઆઇએમ કાનપુરની તેમ વિજેતા જાહેર થઇ હતી. રનર-અપનું બીજું ઈનામ વેલ્લોર ઇન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજીને મળ્યું હતું. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) સંલગ્ન વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજની ટીમ ત્રીજા સ્થાને રહી હતી.આ માહિતી આપતા સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીના પ્રમુખ ઋષભ જૈને જણાવ્યું હતું કે આ સ્પર્ધા માટે સમગ્ર દેશમાંથી ઇનોવેટિવ આઇડિયા ધરાવતા પ્રોજેક્ટો આમંત્રણ આપવામાં આવ્યુ હતું. તેને પગલે ૮૫ થી વધુ ટીમોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આમાંથી કુલ ૧૨ ટીમોને ફાઇનલ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવી હતી.

અંતિમ રાઉન્ડ સુધી પહોંચેલી ટીમોમાં અમદાવાદ, ગાંધીનગર, પંજાબ, ચેન્નાઈ, કાશીપુર, બેંગલોર, જમશેદપુર વગેરે ટીમોનો સમાવેશ થતો હતો. નિર્ણાયક તરીકે આઇઆઇએમ અમદાવાદના સેન્ટર ફોર ઇનોવેશન, ઈન્ક્યુબેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ ના અધ્યક્ષ પ્રો. અમિત કર્ણ તથા સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રો. બિપીન મહેતાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિજેતા અને રનરઅપ ટીમને સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી તરફથી રૂપિયા એક-એક લાખના ઇનામો આપવામાં આવ્યા હતા.