ગરવા ગઢ ગિરનાર પર લીલી પરિક્રમા, ભજનભક્તિની અહાલેક ગૂંજશે

જુનાગઢ: સમગ્ર સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં અનેરી ખ્યાતિ ધરાવતી ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમાનો ૧૯મીએ સોમવાર કારતક સુદ અગિયારસથી રંગેચંગે પ્રારંભ થવાનો છે. ત્યારે છેવાડાના ગામમાંથી લોકો આ પાવનકારી પરિક્રમામાં જોડાવા માટે જૂનાગઢ ઉમટી પડશે. ૩૬ કી.મી. લાંબી આ ભક્તિમય પરિક્રમામાં ચાર દિવસ સુધી ગિરનારની ગિરિકંદરાઓમાં રહી જંગલમાં મંગલમય પરિક્રમા કરી પોતાના જીવન ધન્ય બનાવશે. પરિક્રમાના રૂપે અલખના ઓટલે આળોટવા માટે લાખો ભાવિકો મહાસાગર રૂપી પરિક્રમામાં જોડાઇ પરિક્રમાની વિસ્મરણીય પળો પોતાની સાથે વતનમાં લઇ પરત જાય છે.

આવી ભજન-ભોજન અને ભકિતના  ત્રિવેણી સંગમરૂપ સમી ગિરીવર ગિરનાર ફરતે ચાર-ચાર દિવસ ચાલનારી પરિક્રમામાં આ વર્ષે પણ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે તેવી ધારણા વચ્ચે  સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. હિન્દુ ધર્મમાં અમરનાથ યાત્રા અને માન સરોવર યાત્રા જેટલું જ મહત્વ  ધરાવતી ગરવા ગિરનારની ફરતે ચાર દિવસીય લીલી પરીક્રમાની પરંપરા આજની યુવા પેઢીએ પણ જાળવી રાખી છે.

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કારતક સુદ ૧૧ થી શરૂ થતી પાવનકારી પરીક્રમામાં આ વર્ષે પણ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે તેવી સંભાવના છે. આ વર્ષે પરીક્રમાર્થીઓની સંખ્યા વધુ રહેવાની  ધારણા ગત વર્ષ કરતા આ વર્ષે પરીક્રમામાં આવનાર લોકોની સંખ્યા વધુ રહેશે તેમ કહી શકાય કારણ કે આ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડુતોને કામકાજ પુર્ણ થવાનું હોય અને ખેડુતો ખેતીકામ પુર્ણ કરી રહયા છે. ઉલ્લેખનીય છે કે પરીક્રમામાં વધુને વધુ ગામડાની પ્રજા ભાગ લેવા માટે આવતી હોય છે ત્યારે આ વખતે ગ્રામ્ય પ્રજા વધુમાં વધુ સંખ્યામાં ઉમટી પડે તેવી સંભાવના છે. પ્રતિવર્ષ અંદાજે દસ લાખ જેટલી સંખ્યા થતી હોય છે. ત્યારે આ વર્ષે પરીક્રમાર્થીઓની સંખ્યાનો આંક દસ લાખથી વધુ રહે તેવું તંત્રનું અનુમાન રહયું છે.

નવનાથ ચોસઠ જોગણી તેમજ સિધ્ધ ધુણા અને ગુરૂ દતાત્રેય ભગવાનમાં અંબાના જયાં બેસણા છે તેવા ગરવા ગિરનારની ફરતે પરીક્રમાનો લાભ રૂપી લ્હાવો લેવા માટે આ વર્ષે વિક્રમી માનવ મહેરામણ ઉમટી પડે તેવી શકયતાઓને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા પુરતી તૈયારી થઇ રહી છે. હવે પરીક્રમાંના ત્રણ પડાવ પૈકી પડાવ અંગે સઘળી વિગતો જોઇએ. પ્રથમ પડાવ જીણા બાવાની મઢી આ પાવનકારી પરીક્રમાનું પ્રથમ ચરણ કારતક સુદ અગીયારસના દિનથી શરૂ થાય છે. ભવનાથ તળેટી ખાતે આ દિવસે શરૂ થતી પરીક્રમામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પરીક્રમા ભ્રમણની શરૂઆત કરે છે.

પ્રથમ પડાવ જીણા બાવાની મઢી આ પાવનકારી પરીક્રમાનું પ્રથમ ચરણ કારતક સુદ અગીયારસના દિનથી શરૂ થાય છે. ભવનાથ તળેટી ખાતે આ દિવસે શરૂ થતી પરીક્રમામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પરીક્રમા ભ્રમણની શરૂઆત કરે છે. આ પરીક્રમાનો પહેલો વિસામો સંત જીણા બાવાની મઢીનો એક લોકવાયકા મુજબ એવો પરીચય છે કે ઘણા વર્ષો પહેલાની આ વાત છે. અઘોર ગાઢ જંગલમાં સંતશ્રી જીણા બાવા આ જંગલમાં ધુણો ધખાવી પ્રભુ ભજન કરતા પ્રભુમય જીવન ગુજારતા આ જંગલમાં સંતના બેસણામાં ગુરૂદત મહારાજ ચલમ પીવા પધારતા તે વખતે એમ કહેવાય છે કે સંત મહાત્મા અને ગુરૂ મહારાજના બેસણામાં એવી વાત થયેલ કે જીણા બાવા તારૂ નામ જીણો હોવાનું ઉદેશ શું ત્યારે સંત જીણા બાવાએ સભામાં બેઠેલા સાધુઓ સંત મહાત્મા તેમજ ગુરૂ મહારાજની કૃપા હશે તો પ્રશ્નનો યોગ્ય સમયે જવાબ આપ લોકોને મળી રહેશે.

સમય જતા ફરી એક વખત આ સાધુ મહાત્માની બેઠકમાં એક જ વાત નિકળતા સંત શ્રી જીણા બાપુએ ફરી એ જ પ્રશ્ન કરતા તેના જવાબમાં બધા સાધુ મહાત્માઓ તથા સંત જીણા બાવાએ ચલમ પીતા હતા તે ચલમ પદી બની ગયા પછી ખાલી કરી બધાની વચ્ચે બેઠેલ એક સાધુ મહાત્માના હાથમાં સોંપીને જણાવ્યું કે આ ચલમમાંથી આપ સાધુ સંતોને ગુરૂ મહારાજની કૃપાથી સાંગોપાંગ અંદર પ્રવેશી બહાર નીકળ તો ખરેખર જીણો છે અને જીણા બાવાએ સાધુ સંતોને ગુરૂ મહારાજના આશીર્વાદથી ચલમ અંદર સાંગોપાંગ બહાર નીકળતા ગયા હતા અને આ પરીક્ષા વખતે ગુરૂદત મહારાજ પોતે જ પધાર્યા અને સંતની ભકિતને પ્રભુમય જીવન ઉપર પ્રસન્ન થઇને જીણા બાવાને સાક્ષાત દર્શન આપ્યા હોવાની એક લોકવાયકા છે.

પરીક્રમા દરમ્યાન અપવાદરૂપ કિસ્સાઓમાં અમુક પરીક્રમાર્થીઓ વહેલા તે પહેલાનું ધોરણ અપનાવી વિધીવત રીતે અગીયારસના દિવસે શરૂ થતી પરીક્રમાં અગાઉ શરૂ કરી અને વહેલી પૂર્ણ કરે છે. દરમ્યાન પહેલા પડાવ ખાતે ભવનાથ તળેટીથી હર હર મહાદેવના ગુંજનાદ સાથે પરીક્રમાર્થીઓ જય ગિરનારીના ગુંજનાદ સાથે પાવનકારી પરીક્રમાનો પ્રારંભ કરે છે. કુદરતના ખોળામાં રહેલ અદભુત સૌંદર્યની ઝાંખી કરાવતા ગિરનાર જંગલમાં ત્રણ રાત્રીઓ વિતાવવા માટે પરીક્રમાર્થીઓ કટીબધ્ધ બને છે ભવનાથના દુધેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પ્રારંભ થઇ પરીક્રમાનો દોર વનરાઇમાં કલરવ બની ગુંજી ઉઠે છે.

પરીક્રમાર્થીઓ ઉબડ ખાબડ પથ્થરાળા રસ્તા પર પદયાત્રા શરૂ કરે છે અને જીણા બાવાની મઢીએ પહોંચે છે જયાં યાત્રીકોનો પરીક્રમાનો વિધિવત પડાવ ગણાય છે. ઘનઘોર જંગલ વચ્ચે આવેલી આ જગ્યાએ પ્રથમ પડાવની રાત્રી વિતાવવા લોકો ડેરા તંબુ તાણે છે   અહી પરીક્રમાર્થીઓના ભોજનની વ્યવસ્થા માટે અનેક સેવાભાવી સંસ્થા ખડેપગે સેવા કરી પુણ્યનું ભાથુ બાંધવા તૈયાર હોય છે. ભોજનની સાથે રાત્રી દરમ્યાન ભજન અનેભકિતના અનોખા સમનવ્યનો માહોલ નિહાળી પરીક્રમાર્થીઓ ધન્યતા અનુભવે છે અને જીણા બાવાની મઢી ખાતે પરીક્રમાર્થીઓ પ્રથમ પડાવરૂપી રાતવાસો કરે છે.

બીજો  પડાવ માળવેલા પરીક્રમાના અકિલા પ્રારંભ થયા બાદ પ્રથમ પડાવરૂપી રાત્રી રોકાણ જીણા બાવાની મઢીએ વિતાવ્યા બાદ સવાર પડતાની સાથે જ પરીક્રમાર્થી  બીજા પડાવ એવા માળવેલા તરફ આગળ વધે છે. રસ્તામાં યાત્રીકો જય જય શિવશંકર બમ  બમ બોલે જય ગિરનારીના ગુંજનાદથી ગિરીકંદરાઓને ગુંજવી દે છે. માળવેલા તરફ આગળ જતા પરીક્રમાર્થીઓ ખરા અર્થમાં કુદરતના સાનિધ્યને નિહાળવા અતૃપ્ત ઇચ્છાની પૂર્તી અહી કરી શકે છે.

રસ્તામાં વહેતા ખળખળ કુદરતી ઝરણા પ્રાકૃતિક સૌંદર્ય સભર વનની વનરાઇઓ જાણે કે પરીક્રમાર્થીઓને અહીયાની સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવું મનમોહક દ્રશ્ય ઠેર-ઠેર જોવા મળે છે. યાત્રીકો ભજનના સુરતાલ છેડી ધીમે ધીમે દ્વિતીય પડાવ માળવેલા તરફ આગળ વધે છે.

માળવેલાની જગ્યાનું મહાત્મય એવું છે કે આ મધ્ય જંગલનો આ ભાગ છે. ચોતરફ ખાઇઓ છે અને લગભગ પાંચથી છ કિલોમીટર ચોપાસ વિસ્તારમાં કોઇ પણ પ્રકારનું વાહન અહી અવર જવર કરી શકે તેમ નથી. માત્ર શ્રધ્ધા ભકિત જ માળેવલાના ગાઢ જંગલમાં ઓવલ માતા મહાકાળીના સ્થાનના દર્શને આવી શકે છે અને એક કહેવાતી લોકવાયકા મુજબ જુનાગઢમાં ભગવાન કૃષ્ણના મોટા ભાઇ બળદેવજી મહારાજનું શાસન હતું.

ત્યારે તેમના બહેન સુભદ્રા દેવીનું અપહરણ પાંડુ પુત્ર અર્જુને કર્યુ હતુ અને માળવેલા ખાતેના જંગલમાં માર્કંન્ડ ઋષિના આશ્રમમાં રહયા હતા. માર્કંન્ડ ઋષિ પાસે માત્ર ફળ ફુલ અને આહાર હતો અને તેનાથી સૌનુ સ્વાગત કરતા હતા. મહાકાળી માતાના અનન્ય ભકત માર્કંન્ડ મુનિ પાસે ભોજન પાત્ર હતુ જેનાથી ભાવીકોને મનગમતું ભોજન પીરસતા હતા.

આ માળવેલાની જગ્યામાં સાધુ સંતો આવતા હતા એક વખત એક સાધુએ કેરીની મોસમ ન હોવા છતા કેરી ખાવાની ઇચ્છા વ્યકત કરી ત્યારે તેની ઇચ્છા પુર્ણ કરી આપેલ કેરીના ઝોટણાનું વૃક્ષારોપણ કર્યુ હતું ભેરવનાથ પાસે આજે પણ ઉમળખાનુ વૃક્ષ છે. માતા મહાકાળી અને જય ગુરૂદત ભકતોને શ્રધ્ધા શાંતિ સમર્પીત કરે છે. આ પડાવ ખાતે અમુક યાત્રીકો સેવાભાવી સંસ્થા દ્વારા ચાલતા પ્રસાદ ભોજન કક્ષમાં જમવા પહોંચી જાય છે તો અમુક યાત્રીકો સાથે લાવેલ કાચા ભોજનની સામગ્રીને રાંધી ખરા અર્થમાં વન ભોજન આરોગવાનો અનેરો આનંદ મેળવે છે અને રાત્રી દરમ્યાન ભજન મંડળીઓ સંગાથે હરીભજનમાં પરીક્રમાર્થી મગ્ન બની જાય છે અને દ્વિતીય પડાવ પૂર્ણ કરે છે.

ત્રીજો પડાવ બોરદેવી ભજન ભોજન અને ભકિતનો અનેરો ત્રિવેણી સંગમ રૂપી પરીક્રમાના દ્વિતીય પડાવ માળવેલા ખાતે રાત વિતાવ્યા બાદ પરીક્રમાના અંતિમ પડાવ એવા બોરદેવી તરફ આગળ ધપવા પ્રયાણ કરતા વહેલી સવારે બોરદેવી રસ્તાની વાટ પકડે છે. અંતિમ પડાવ રૂપી બોરદેવીની જગ્યા તરફ યાત્રીકો ઉબડ ખાબડ રસ્તાઓ પર ચાલવા માંડે છે. અત્યંત વિકટ એવા બોરદેવીના સાંકડા અને પથ્થરોની શીલા ધરાવતા જંગલી માર્ગ ઉપર ચાલવુ અતિ કઠીન છે. છતા લોકો પુરી શ્રધ્ધા ભકતીથી જય ગિરનારીના નાદ સાથે પરીક્રમાના ત્રીજો પડાવ પૂર્ણ કરવા તરફ પ્રયાણ કરે છે અને તેમાં પણ નળ પાણાની ઘોડી માર્ગ ઉપર ચાલવુ અતિ કઠણાઇ ભર્યુ છે જયા વાંકા ચુકા રસ્તાઓ પર પરીક્રમાર્થીઓને પડવા લપસવાની શકયતા રહે છે.

ચોથા દિવસે ભવનાથ પ્રયાણ બોરદેવી ખાતે ત્રીજા પડાવ રૂપી રાત્રી રોકાણ બાદ ચોથા દિવસે પરીક્રમાર્થીઓ ગરવા ગિરનારની ૩૬ કિ.મી. લાંબી પરીક્રમા પુર્ણ કરી ભવનાથ પહોંચે છે. આમ અહીંયા ગીરનારની પવિત્ર લીલુડી પરિક્રમા પૂર્ણ થાય છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]