જૂનાગઢ : ગિરનાર રોપ-વે ના પ્રોજેક્ટને જલ્દી પૂર્ણ કરીને એપ્રિલ સુધીમાં કાર્યરત કરવા માટે અત્યારે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ૨૦૦૭માં ગુજરાત સ્થાપના દિનને રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે જૂનાગઢમાં ભવનાથ ખાતે તે સમયના મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રોપ-વેનો શિલારોપણવિધિ કરી હતી.
ગિરનાર રોપ-વે પ્રોજેકટની હાલ ચાલી રહેલી કામગીરીની માહિતી આપતા ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરીટીના ડાયરેકટર અને રોપ-વેના અભ્યાસુ પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું કે, ઉષા બ્રેકો કંપની હસ્તકના રોપ-વે પ્રોજેકટની કામગીરી સંભવતઃ જુન માસ સુધીમાં પૂર્ણ કરી રોપ-વેને કાર્યરત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
પ્રારંભમાં આ પ્રોજેકટ માટે રૂા. ૮૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો પરંતુ અત્યારે ખર્ચ રૂા. ૧૨૦ કરોડ થશે. જોકે, રોપ-વે શરૂ થયેથી જૂનાગઢ માટે સોનાનો સૂરજ ઉગશે કેમકે, યાત્રિકોની સંખ્યા વધીને ૮૦ લાખે પહોંચવાની શક્યતા છે. યાત્રિકો વધવાની સાથે જુનાગઢની આવક, સમૃધ્ધિમાં વધારો થશે. રોપ-વે માટે ઓસ્ટ્રીયા અને ઇટાલીથી બે શીપ દ્વારા મશીનરી આવી ચૂકી છે અને હાલ મટીરીયલ્સ રોપ-વેની પાંચ ટનની ક્ષમતાવાળી ટ્રોલી કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી છે. ૨૦૦૭માં ખાતમુહૂર્ત વખતે એક સાથે ૮૦ પેસેન્જરો બેસી શકે એવી ટ્રોલીની જોગવાઇ હતી. હવે ૮ પેસેન્જર બેસી શકે એવી ૨૫ ટ્રોલી લગાવવામાં આવશે.
બાદમાં તબક્કાવાર વધારો કરી ટ્રોલીની સંખ્યા ૩૧ કરવામાં આવશે. એક ટ્રોલીમાં ૮ યાત્રિકો બેસી શકે એવો દેશનો પ્રથમ ગિરનાર રોપ-વે બની રહેશે. નવી મોનોકેબલ ટેકનોલોજીના આધારે રોપ-વેની ટ્રોલીની ડિઝાઇન પવનની ઝડપનો પ્રતિકાર કરી શકે એવી એરોડાઇનેમીક પ્રકારની હશે.
ઓક્ટોબરમાં મટીરીયલ રોપ-વે શરૂ થઇ જશે અને સમગ્ર પ્રોજેકટનો એપ્રિલ સુધીમાં મંગલારંભ થઇ જાય તે પ્રમાણે અત્યારે રાત-દિવસ કામગીરી ચાલી રહી છે. ગિરનાર રોપ-વે નીચેથી ઉપર ૭ મિનિટમાં પહોંચશે અને આજ પ્રમાણે ઉપરથી એટલે કે અંબાજીથી નીચે તળેટી સુધી ટ્રોલીને પહોંચતા ૭ મિનિટનો સમય લાગશે. રોપ-વેની ટ્રોલીમાં યાત્રિકો જૂનાગઢના ઐતિહાસિક સ્થળો અને ઇતિહાસથી વાકેફ થઇ શકે તે માટે માઇક્રોફોન સાથે ઓડિયો કલીપ મુકાય તેવી પણ શક્યતાઓ છે.