જૂનાગઢમાં રવિવારે ગિરનાર સ્પર્ધાઃ 1044 સ્પર્ધકો જોડાયાં

જૂનાગઢ– 7 જાન્યુઆરીને રવિવારે સવારે 6-30 કલાકે ગુજરાતનાં નવયુવાનો ગરવા ગઢ ગિરનારને બાથ ભીડવા દોટ મૂકશે. રાજ્યક્ક્ષાની 33મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ થઇ છે. આ વર્ષે ગિરનાર સ્પર્ધામાં 1044 સ્પર્ધકો નોંધાયા છે, જેમાં 837 ભાઇઓ અને 207 બહેનોનો સમાવેશ થાય છે. ઉત્સાહી સ્પર્ધકો 15 દિવસથી તૈયારીઓ કરી રહ્યા છે.

જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, મનપા કમિશ્નર વી.જે.રાજપુતનાં માર્ગદર્શનમાં જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ દીહોરા, જયાબેન ખાંટ અને સ્ટાફ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ઇતિહાસ: ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ 1971માં થયો હતો. બાદ 1996માં આ સ્પર્ધા રાજ્ય સરકારે સંભાળી લીધી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ 33મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા છે.

આ પણ એક રેકોર્ડ : 1971થી મહેન્દ્રભાઇ સેવા આપે છે. ગિરનાર સ્પર્ધામાં મહેન્દ્રભાઇ મશરૂ અને તેમની ટીમ દ્વારા અંબાજી અને 2200 પગથિયે સેવા અપાશે. 1971થી મહેન્દ્રભાઇ મશરૂ પર્વત પર સેવા આપે છે, તે પણ એક રેકોર્ડ છે.

રેકોર્ડ પર એક નજરઃ 55.31 મિનીટનો રેકોર્ડ

પહેલા સ્પર્ધા લંબે હનુમાનથી શરૂ થતી હતી. હવે આ સ્પર્ધા આહીર સમાજની જગ્યા પાસેથી શરૂ થાય છે. 2002માં કાનજી ભાલીયાએ 55.33 મિનીટમાં ગિરનાર સ્પર્ધા પૂર્ણ કરી રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ 10 વર્ષ સુધી કોઇ તોડી શક્યુ ન હતું. 2012માં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સોલંકી રમેશે 55.33 મિનીટમાં સ્પર્ધા પૂર્ણ કરી કાનજી ભાલીયાનો રેકોર્ડ તોડ્યો હતો. (રેકોર્ડ તૂટ્યો ત્યારે સ્પર્ધાનો પ્રારંભ આહીર સમાજની જગ્યા પાસેથી થયો હતો.) એક વર્ષ બાદ 2013માં મજેઠીયા હરિએ 55.31 મિનીટમાં ગિરનારની સ્પર્ધા પૂર્ણ કરી પોતાના નામે નવો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ હજુ કોઇ તોડી શકયું નથી. જયારે બહેનોની 2200 પગથિયાની સ્પર્ધામાં ભેંસાણીયા ગાયત્રીએ 34.14 મિનીટમાં પોતાનાં નામે રેકોર્ડ બનાવ્યો છે.