ગરવી ગુર્જરીઃ હસ્તકલા-હાથશાળના દુનિયાભરના વેપારીઓ એક મંચ પર, MoU થયાં

ગાંધીનગરઃ પરંપરાગત હસ્તકલા અને હાથશાળ જેવી કારીગરીને પ્રોત્સાહિત કરવા અને સમયાનુકુળ બદલાવ સાથે વૈશ્વિક મંચ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. અને આના માટે સરકાર દ્વારા સ્ટેટ ઓફ ધ આર્ટ સુવિધાઓના નિર્માણ માટે સરકાર કટીબદ્ધ છે.

આ મામલે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતની ભાતીગળ હસ્તકલા હાથશાળ કારીગરીના ગ્રામીણ કુશળ કારીગરો-કસબીઓને સ્વનિર્ભરતાના અવસરો આપવા સરકારે રુપિયા ૪પ૦ કરોડ કુટિર અને ગ્રામોદ્યોગ અંતર્ગત બજેટમાં ફાળવ્યા છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ મહાત્મા મંદિરમાં ગરવી ગુર્જરી-ર૦૧૮ આંતરરાષ્ટ્રીય બાયર સેલર મીટનો પ્રારંભ કરાવતાં આ અંગે પ્રતિબધ્ધતા દર્શાવી હતી. આ મીટમાં હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રના ૧૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય બાયર્સ ર૦૦થી વધુ રાષ્ટ્રીય બાયર્સ, ૧પ૦થી વધુ એકઝીબીટર્સ-કારીગરો ૩ થી ૬ ઓગસ્ટના ચાર દિવસ સુધી હસ્તકલા-હાથશાળના વિવિધ પાસાંઓ અંગે પરામર્શ, બી-ટુ-બી મિટીંગ, સેમિનાર તથા પ્રદર્શની-વેચાણમાં સહભાગી થવાના છે.

મુખ્યપ્રધાને આ અવસરે ગરવી ગુર્જરીના ઉત્પાદનોની ઓન લાઇન વેચાણ માટેની એપ અને સાઇટનું પણ લોન્ચીંગ પણ કર્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતની હસ્તકલા-હાથશાળ કારીગરી વિવિધતાથી ભરપૂર છે. કચ્છ-જામનગરની બાંધણી, પાટણના પટોળા, કચ્છી ભરતકામ, રોગાન પેન્ટીંગ, પિઠોરા ચિત્રકલા આવી અનેકાનેક બેનમૂન કારીગરીએ વિશ્વમાં ગુજરાતની કલા-સંસ્કૃતિને ઊજાગર કરી છે. તેમણે વિશ્વાસ દર્શાવ્યો કે, આ બાયર સેલર મીટ રાજ્યના નાના-ગ્રામીણ કારીગરો માટે એક ઉત્તમ મંચ બનશે અને તેમની ચીજવસ્તુઓને વૈશ્વિક ખરીદદારો મળી રહેશે.

મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતના વેચાણકારો અને ઇન્ટરનેશનલ ખરીદદારો બેય માટે વિન-વિન સીચ્યુએશન બનશે તેમ સ્પષ્ટપણે જણાવતા ઉમેર્યું કે, બી-ટુ-બી મીટિંગના પરિણામે નેટવર્કીંગનો પણ વ્યાપક લાભ અને અવસરો ગ્રામીણ કારીગરોને ઘર આંગણે બેઠા પ્રાપ્ત થશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અન્વયે ગ્રામીણ પરંપરાગત વ્યવસાયો-હસ્તકલા કારીગરોને ૬ ટકા વ્યાજ સબસીડી યોજનાની ભૂમિકા પણ તેમણે આપી હતી. તો આ સાથે જ મુખ્યપ્રધાને આદિજાતિ બંધુઓના હસ્તકલા ઉત્પાદનોના વેચાણ માટે વાયબ્રન્ટ સમિટમાં એમેઝોન સાથે થયેલા એમઓયુની વિશેષતાઓ પણ સમજાવી હતી. તો આ સાથે જ મુખ્યપ્રધાનની ઉપસ્થિતમાં ભૂતાન, દૂબઇ, ચાઈના, યુ.કે.ના વિવિધ વ્યવસાયકારોએ ગુજરાત હેન્ડલૂમ હેન્ડીક્રાફટ કોર્પોરેશન સાથે એમઓયુ પણ કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]