ગેંગરેપ પીડિતાના મોતનો મામલો, પોલિસે 2 આરોપીની ધરપકડ કરી

અમદાવાદઃ શહેરમાં યુવતી પર ગેંગ રેપ થયાની ઘટના સામે આવી છે. ઘટના શહેરના રામોલ વિસ્તારની છે. રામોલ વિસ્તારમાં રહેતી યુવતી પર 4 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. આના પગલે યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું. 9 માસ અગાઉ થયેલ દુષ્કર્મ કેસમાં પીડિતાનું કિડની પર અસર થવાથી મોત નીપજ્યું હતું.ભારે માછલાં ધોવાયાં બાદ રામોલ વિસ્તારમાં યુવતી પર થયેલ સામૂહિક દુષ્કર્મ મામલે પોલિસે આ 2 આરોપીની મોડી સાંજે ધરપકડ કરી હતી. અંકિત પારેખ અને ચિરાગ વાઘેલાની ધરપકડ કરી છે જ્યારે અન્ય 2 આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે

નરાધમોએ પોતાની હવસ સંતોષવા માટે યુવતી પર એટલી હદે અત્યાચાર કર્યો કે તેની કિડની પર અસર પહોંચી હતી. કિડની પર અસર પહોંચતાં, હોસ્પિટલમાં યુવતીની સારવાર ચાલી રહી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

ઉલ્લેખનીય છે કે, અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીના મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ, આઠેક માસ અગાઉ તેને પરીક્ષામાં એટીકેટી આવી હતી. જેથી તેના સંપર્કમાં રહેલાં હાર્દિક, અનિકેત, ચિરાગ અને રાજ નામના શખ્સો આવ્યા હતા. આ ચારે શખ્શોએ યુવતીને એટીકેટીનું ફોર્મ ભરી આપવા અને એટીકેટીમાંથી પાસ કરી આપવાની લાલચ આપી હતી.

લાલચ આપી યુવતીને પહેલી વખત કેફી પીણું પીવડાવી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાદમાં બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું આરોપીઓએ ભેગા મળી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરતાં યુવતીને ગર્ભ રહી ગયો હતો અને આઠ માસ બાદ મૃત બાળકનો જન્મ થતાં મામલો બહાર આવ્યો હતો.

ફરિયાદ નોંધાયાના એક મહિનાથી વધુ સમય થઇ ગયો હતો છતાં પોલીસ એક પણ આરોપી પકડી શકી નથી. ઉચ્ચ અધિકારીઓ પણ જાણે આ કેસમાં આરોપીઓને છાવરી રહ્યાં હોવાની ચર્ચા પોલીસ બેડામાં ઉઠવા પામી હતી.