સીએમ ડેશ બોર્ડ સરકારનું ત્રીજું નેત્ર, અધિકારીઓ જવાબદાર બન્યાં છે: રૂપાણી

ગાંધીનગર- રાજ્યમાં ગત વર્ષે 4 મે 2018ના શરૂ કરાયેલા સી.એમ. ડેશ બોર્ડની સફળતાનું એક વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રચાર માધ્યમો સાથે સંવાદ કર્યો હતો. વિજય રૂપાણીએ કહ્યું કે, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ પ્રવર્તમાન સમયની માગ છે અને નાનામાં નાના માનવીની રજૂઆતના સત્વરે નિવારણ માટે આવી ટ્રેકિંગ પદ્ધતિ આવશ્યક બની છે. સી.એમ. ડેશ બોર્ડનો વ્યાપ વિસ્તારીને તાલુકાસ્તર સુધીના અદના અરજદારની રજૂઆત પણ સીધી મુખ્યપ્રધાન કક્ષાએથી મોનિટરીંગ થાય તેવી નેમ વ્યકત કરી હતી.

રાજ્ય સરકારની પ્રજાલક્ષી સેવાઓમાં ગુણવત્તા વધી છે તથા સુખાકારીના કામો ઝડપથી પૂર્ણ થયા છે. એટલું જ નહિ, પેન્ડન્સી લેવલ નીચું આવ્યું છે. સરકારના અધિકારીઓ જવાબદાર બન્યાં છે. આ ટેકનોલોજી આધારિત સંપુર્ણ વ્યવસ્થા ઝીરો કોસ્ટીંગથી એટલે કે સરકારના જ વિભાગોએ વિકસાવેલી છે અને ગાંધીનગરમાં બેઠા બેઠા જિલ્લા કક્ષાની વિગતો, વિભાગોની કામગીરીની માહિતી મેળવી શકાય છે એમ વિજય રૂપાણીએ ઉમેર્યુ હતું.

સી.એમ. ડેશ બોર્ડના નવા આધુનિક તકનીકયુક્ત ર.૦ વર્ઝનની હવે શરૂઆત થવાની છે તેની છણાવટ કરતાં જણાવ્યું કે અગાઉ ૧૭૦૦ જેટલા ઇન્ડીકેટરના સ્થાને હવે ૩ હજારથી વધુ ઇન્ડીકેટર્સ આ ડેશ બોર્ડના કાર્યક્ષેત્રમાં જોડાશે.

આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનથી માંડીને રેશનકાર્ડ સુધીની બધી સેવાઓ ઓનલાઇન કરીને પારદર્શી પ્રશાસનની સ્ટ્રીમ લાઇન વ્યવસ્થા વિકસાવવાશે.  સી.એમ. ડેશ બોર્ડ પરના જે વિભાગો છે તે વિભાગોને પ્રજાલક્ષી કામગીરી અને લક્ષ્યાંક સિદ્ધ માટે સ્ટાર રેટિંગ આપવાની નવતર પહેલથી સ્પર્ધાનું વાતાવરણ બનશે જે સરવાળે સુશાસનની સંકલ્પબધ્ધતાને વધુ સંગીન બનાવશે.

મુખ્યપ્રધાને સી.એમ. ડેશ બોર્ડની એક વર્ષની સિધ્ધિની વિગતો આપતાં વધુમાં જણાવ્યું કે, ડેટા કલેકશનના વ્યાપમાં ૧૯૬ સ્થાનેથી વધીને પ૬૩ સ્થાનો, ૧રપ ઓથોરિટીને બદલે ૧ર૦૦ ઓથોરિટી આવરી લેવાઇ છે. પ્રગતિ ગુજરાત અંતર્ગત ૪પ૦ને સ્થાને હવે ૧૬પ૦ પ્રોજેકટ મોનિટરીંગ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ કમાન્ડ કંટ્રોલ યુનિટ દ્વારા પાંચ ‘C’ એટલે કે કમાન્ડ, કંટ્રોલ, કોમ્પ્યુટર, કોમ્યુનિકેશન અને કોમ્બેટના સમગ્ર કાર્યફલકથી રાજ્ય સરકારના વિભાગોની કામગીરી મોનિટરીંગ થાય છે.

એટલું જ નહિ રિયલ ટાઇમ પરફોમન્સ મેઝરિંગ સિસ્ટમ સાથે રાજ્ય, પ્રદેશ, જિલ્લા કક્ષા સુધીનું પરફોમન્સ મોનિરટીંગ પણ સઘન બન્યું છે. લોકોને મળતી સેવાઓનું ડિઝિટાઇઝેશન થતાં પારદર્શી પધ્ધતિએ લોકોને લાભ મળતા થયા છે.

સી.એમ. ડેશ બોર્ડને પરિણામે E ધરા, સિટી સર્વે જેવા ક્ષેત્રોમાં દાખલાઓ આપવાની પેન્ડસીમાં માતબર ઘટાડો થયો છે. આયુષ્યમાન ભારત તહેતના લાભાર્થી ર૬ લાખથી વધીને ૪૩ લાખ થયા છે અને સોઇલ હેલ્થકાર્ડની સંખ્યા ૩૭ લાખે પહોચી છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]