દીપડાની પાછળ આ રીતે દિવસભર ધંધે લાગ્યું હતું તંત્ર, આમ પહેલાં પણ બન્યું હતું…

ગાંધીનગર- નવા સચિવાલય સંકુલમાં દેખાયેલા દીપડાને ગાંધીનગરના પુનિતવનની પાછળ આવેલા ૨૫થી ૩૦ ફૂટ મીટર લાંબા ગરનાળામાંથી સલામત રીતે પકડવામાં આવ્યો છે. વન વિભાગના નિષ્ણાંત કર્મચારીઓએ ટ્રાન્કવીલાઇઝ કરીને દીપડાને પહેલાં બેભાન કર્યો હતો અને પછી સલામત રીતે તેને પાંજરામાં ઇન્દ્રોડા પાર્ક લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હવે દીપડો સંપૂર્ણ ભાનમાં અને તંદુરસ્ત હાલતમાં છે.

ગઈકાલે નવા સચિવાલયના ગેટ નં.૭ માંથી એક દીપડો પ્રવેશીને ગેટ નંબર-૪ તરફ જતાં દેખાયો હતો. સચિવાલયના સલામતી રક્ષકોએ વન વિભાગ હસ્તકના ગાંધીનગરના વનચેતના કેન્દ્રને ટેલિફોન દ્વારા જાણ કરતાં વન વિભાગના કર્મચારીઓ સચિવાલય પહોંચી ગયા હતા. સી.સી.ટી.વી.ના ફૂટેજ જોઇને દીપડાની ખાતરી થતાં જ વન વિભાગે તાત્કાલીક ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ જિલ્લાના અને ગીર ફાઉન્ડેશન સહિતના ૨૦૦ જેટલા નિષ્ણાત કર્મચારીઓને બોલાવી લીધા હતા.

વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાની સીધી દેખરેખ હેઠળ ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, આસીસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફોરેસ્ટર, વનપાલ, વનરક્ષક, ટ્રેકર્સ અને વેટરનરી ડોક્ટર્સની કુલ ૨૦૦ જેટલા કર્મચારીઓની ૧૫ જેટલી ટીમો બનાવીને સમગ્ર વિસ્તારનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. નવા સચિવાલયની અંદર અને બહાર બંને તરફના વિસ્તારોમાં ત્રણ થી ચાર વખત સધન કોમ્બીંગ કરવામાં આવ્યું હતું. પોલીસ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને સાથે રાખીને ખૂણે-ખૂણાની ચકાસણી કરવામાં આવી હતી.સચિવાલય સંકુલના સી.સી.ટી.વી. કેમેરાના રાત્રીના ૧ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધીના તમામ ફૂટેજની તપાસ કરીને દીપડાની અવર-જવરની ચકાસણી કરવામાં આવી હતી. સચિવાલય સંકુલમાં દીપડો ન હોવાની ખાતરી કર્યા પછી પણ સલામતી અને સાવચેતી માટે ચાર પીંજરા રાખવામાં આવ્યા હતા.

વન વિભાગની દિવસભરની ભારે જહેમત…             

દીપડો દિવસે સંતાઇ જતો હોય છે, એવી દીપડાની પ્રકૃતિને ધ્યાને લઇને વન વિભાગ દ્વારા સાબરમતી નદીના પટની આજુબાજુના જંગલ વિસ્તાર અને પુનિતવનથી પોલીસ ભવન સુધીના વિસ્તાર તથા રોડની આસપાસના વિસ્તારની ચકાસણી કરવામાં આવતાં બપોરે ૧૨-૩૦ વાગ્યે પુનિતવન પાછળના ગરનાળામાં દીપડો જોવા મળ્યો હતો. ગરનાળાની બંન્ને બાજુઓ ખુલ્લી હતી. દીપડાને પકડવા વન વિભાગે પાંજરા, ઝાડી, દોરડાં વગેરેની પુરતી વ્યવસ્થા કરી હોવા છતાં દીપડો છટકીને પુનિતવન તરફ જતો રહ્યો હતો.

ગાંધીનગરના નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું કે, વન વિભાગના કર્મચારીઓ દીપડાને લોકેટ કરીને દીપડાને ફરીથી ગરનાળા તરફ ખસેડી લાવ્યા હતાં. પુનઃ દીપડો ગરનાળામાં ઘૂસ્યો હતો. ૨૫ થી ૩૦ મીટર લાંબા ગરનાળામાં પ્રવેશેલા દીપડાને ખૂબ મૂશ્કેલીથી ટ્રાન્કવીલાઇઝ કરવામાં આવ્યો હતો. અનેક પ્રયત્નો પછી દીપડાને બેભાન કરવામાં સફળતા મળી હતી. બેભાન દીપડાને પાંજરામાં પ્રકૃતિ ઉધાન, ઇન્દ્રોડા પાર્કમાં લઇ જવામાં આવ્યો હતો. જયાં હવે દીપડો ભાનમાં અને સંપૂર્ણ સ્વસ્થ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]