બિટકોઈન મામલોઃ નલીન કોટડીયાની ધરપકડની કાર્યવાહી શરુ

ગાંધીનગરઃ બિટકોઈન મામલે સીઆઈડી ક્રાઈમે ધારીના પૂર્વ ધારાસભ્ય તેમ જ પાટીદાર નેતા નલીન કોટડીયાની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દિધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગમે ત્યારે નલીન કોટડિયાની ધરપકડ થઈ શકે છે. જો કે નલીન કોટડીયા અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયાં છે અને તેમનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. સોમવારે નલીન કોટડીયાએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને પોતાનું એન્કાઉન્ટર થવાની આશંકા વ્યક્ત કરી હતી.

કોટડીયાએ દાવો કર્યો હતો કે બિટકોઈન કૌભાંડનો આંકડો ખરેખર 240 કરોડ છે. તેમણે દાવો કર્યો હતો કે બિટકોઈન પડાવી લીધાની ફરિયાદ કરનાર સૂરતના બિલ્ડિર શેલૈષ ભટ્ટે ધવલ ભટ્ટના 240 કરોડના 2300 બિટકોઈન પડાવી લીધા હતાં. પોલીસ આ મામલે કોઈ તપાસ કરી રહી નથી. કોટડીયાએ એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે શૈલૈષ ભટ્ટની એક ઓડિયો ક્લિપ પણ છે. આ સમગ્ર કૌભાંડમાં મોટા માથા સંડોવાયેલા હોવાનો તેણે દાવો કર્યો હતો.

બિટકોઈન તોડ પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમે હવે કોટડીયાની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ મામલે હવે કોટડીયાની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ છે. સમગ્ર કૌભાંડમાં નલીન કોટડીયાનો રૂ.66 લાખનો ભાગ હતો. જેમાંથી રૂ.25 લાખ તેના ભાણા નમનને અમદાવાદ મોકલ્યા હતા, રૂ.10 લાખ ધારીમાં તેમના સાળા નવનીતને આપ્યા હતા. તેના ભાણા નમને અમદાવાદથી આંગડિયા મારફતે રાજકોટ રૂપિયા મોકલ્યા હતા. આ રૂપિયાથી કોટડિયા ધારીમાં જમીન લેવા માંગતા હતા. કોટડીયાએ આ માટે પોતાના એક સંબંધી થકી રાજકોટના નાનકુ લાવારિયા નામના એક વ્યક્તિને પૈસા આપ્યા હતા. રાજકોટ ખાતેથી પોલીસે રૂ. 25 લાખ રીકવર કર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]