ગાંધી 150: આજે દેશ ‘જાહેરમાં શૌચમૂક્ત’ જાહેર થશે

અમદાવાદ:  મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી સ્વચ્છતા ઝુંબેશની સફળતા આજે ઉજવાઈ રહી છે. આજે ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિ ઉજવણી દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરશે. સાબરમતી રીવરફ્રન્ટ, અમદાવાદમાં ૨૦,૦૦૦થી વધુ સરપંચોના આયોજિત મહાસંમેલનમાં વડાપ્રધાન આ જાહેરાત કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ  સહિત મંત્રીમંડળના સભ્યો પ્રેરક ઉપસ્થિતિમાં આજે ૨ ઓક્ટોબરે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની 150મી જન્મજયંતિએ દેશભરની જેમ ગુજરાતમાં પણ “સ્વચ્છ ભારત દિવસ” ઉજવાઈ રહ્યો છે.

ગુજરાતના ૧૦,૦૦૦ અને વિવિધ રાજ્યોના ૧૦,૦૦૦ સરપંચો મહાસંમેલનમાં હાજર રહેશે. ઉપરાંત વિવિધ રાજયોના સરપંચોને પૂજ્ય ગાંધીજીના સ્મૃતિ સાથે સંકળાયેલા સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે. દેશ-વિદેશના મહાનુભાવો સહિત કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓ અને મહાનુભાવો પણ ઉપસ્થિત છે.

આજે પ્રધાનમંત્રી સાંજે 05:45 કલાકે અમદાવાદ આવી પહોંચશે. વડાપ્રધાનનો અમદાવાદ એરપોર્ટ બહારના મેદાનમાં કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન-સત્કાર સમારોહ યોજવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી સાંજે ૧૮:૩૦ થી ૧૮:પ૦ કલાક દરમ્યાન ગાંધી આશ્રમની મુલાકાત લેશે. પછી વડાપ્રધાન સાંજે ૭ થી ૮:૨૦ કલાક સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સ્વચ્છ ભારત દિવસ-૨૦૧૯ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવાના છે.  ત્યારબાદ રાત્રે ૮:૩૦ કલાકે અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સહભાગી થઇ મા આદ્યશકિતની આરતીમાં ભાગ લેશે અને શેરી ગરબા નીહાળશે. રાત્રે ૯:૩૦ કલાકે નવી દિલ્હી જવા રવાના થશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]