કોંગ્રેસ ગાંધીના શરણેઃ કરશે સવિનય કાનૂન ભંગ…

પોરબંદરઃ આજે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં અલગ અલગ બે જગ્યાએથી મહાત્મા ગાંધીના ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કરાયો છે. યાત્રા આગામી 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે ગાંધી આશ્રમ સાબરમતી અમદાવાદ ખાતે પૂરી થશે. ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસ દ્વારા સવિનય કાનૂન ભંગના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા પોરબંદરથી સાબરમતી ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના નેતૃત્વમાં નીકળી છે. કોંગ્રેસ દ્વારા સવારે પોરબંદરના કોંગ્રેસ કાર્યાલયે ધ્વજવંદન કરીને કીર્તિ મંદિરે દર્શન અને પ્રાર્થના કરી ત્યારબાદ યાત્રાનું પ્રસ્થાન કરાયું.   

આજથી કોંગ્રેસ દ્વારા નવા મોટર વ્હીકલ એક્ટમાં લાગુ કરવામાં આવેલી ભારે દંડની જોગવાઈના વિરોધમાં આ યાત્રાની શરુઆત કરવામાં આવી છે. પોરબંદર ખાતેથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને દાંડી ખાતેથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આજથી શરુ થયેલી આ ગાંધી સંદેશયાત્રા ગાંધી જયંતિના દિવસે સાબરમતી પહોંચશે. કોંગ્રેસ રાજ્યભરમાં 100થી પણ વધુ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

કોંગ્રેસ દ્વારા આ યાત્રાને નામ તો ગાંધી સંદેશ યાત્રા આપવામાં આવ્યું છે, પરંતુ યાત્રા દરમિયાન કોંગ્રેસ સરકાર સામે વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પણ નોંધાવશે. ખાસ કરીને 1 ઓગસ્ટથી લાગુ થવા જઈ રહેલા નવા મોટર વ્હીકલ એક્ટના તોતિંગ દંડનો વિરોધ નોંધાવશે.