લાભપાંચમથી જમીન બિનખેતી-NA મંજૂરી માટે મોટો લાભ

ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં બિનખેતી પરવાનગી- NA પ્રક્રિયા આગામી લાભપાંચમ ૧ર નવેમ્બર, ૨૦૧૮થી ઑનલાઇન કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યની તમામ જિલ્લા કલેકટર કચેરીઓમાં લાભપાંચમથી આ ઑનલાઇન NA પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

મુખ્યપ્રધાને સ્વાતંત્ર્ય દિન ૧પ-ઓગસ્ટે બિનખેતી પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને પગલે ગત ર૩ ઓગસ્ટથી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આવી ઑનલાઇન NA પ્રક્રિયાનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો.
આ બેય જિલ્લામાં છેલ્લા ૩ માસમાં ૧૦૦૦ જેટલી અરજીઓ ઑનલાઇન મળવાની સફળતાને પગલે હવે આગામી લાભપાંચમથી સમગ્ર રાજ્યની જિલ્લા કલેકટર કચેરીઓમાં બિનખેતી પરવાનગી- NA પ્રક્રિયા ઑનલાઇન કરવામાં આવશે. તદ્દઅનુસાર, હવે બિનખેતી પરવાનગી NAની પ્રક્રિયા ઓનલાઇન થતાં અગાઉની જટિલ અને વિલંબકારી પ્રક્રિયામાં ઝડપ અને સરળતા આવતાં નાગરિકોને પારદર્શી પધ્ધતિએ ત્વરાએ ઑનલાઇન NA પરવાનગી મળતી થશે.
મુખ્યપ્રધાને રાજ્યની બધી જ જિલ્લા પંચાયતોમાં પણ આગામી મહિનાથી બિનખેતી પરવાનગી- NA પ્રક્રિયા ઑનલાઇન કરવાનો પણ નિર્ણય જાહેર કર્યો છે.
આ ઑનલાઇન NAની નવી પદ્ધતિની વિશેષતાઓ પર એક નજર કરીએઃ
–     આ ONLINE એનએ પરવાનગી માટે onlinerevenue@gujarat.gov.in પર અરજદારે બિનખેતી અરજી ઑનલાઇન કરવાની રહેશે
–     અરજદારે માત્ર અરજી અને સોગંદનામું ONLINE અપલોડ કરવાનું છે.
–     અરજી સાથે કોઇ પુરાવા, ૭/૧૨, હક્કપત્રક, ઝોનિંગ, F – ફોર્મ, હુકમો રજૂ કરવાના રહેશે નહીં.
–     અરજી ફી (પ્રતિ ચો.મી. ૫૦ પૈસા) ઑનલાઇન પેમેન્ટથી ભરી શકાશે.
–     ખાસ જરુરિયાતના કિસ્સામાં જ અને તે પણ ઑનલાઇન જ અભિપ્રાય મંગાવવામાં આવશે.
–     કેસની વિગતો માટે IRCMS (ઇન્ટીગ્રેટેડ રેવન્યૂ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ) પરથી જ ઑનલાઇન ડેટા મેળવાશે.
–     અરજી સ્વીકાર, અરજી ફી ભર્યા સમયે, મંજૂર/નામંજૂરના કિસ્સામાં SMS અને E-MAIL થી અરજદારને જાણ થશે.
–     અરજી માત્ર ૩ ટેબલ પર જશે. – (ONLINE) – ચિટનિશ – અધિક નિવાસી કલેક્ટર – કલેક્ટર
–     જો કોઇ કેસ ન હોય અને ટાઇટલ ક્લિયર હોય તો મહત્તમ ૧૦ દિવસમાં બિનખેતી પરવાનગી મળશે.(ગ્રીન ચેનલ)
–     ખાસ કિસ્સામાં અભિપ્રાય મેળવવાનો થતો હોય તો મહત્તમ ૩૦ દિવસમાં નિર્ણય થશે.(યલો ચેનલ)

–     સરકારી જમીન, સરકારનું હિત સમાયેલું જણાય અને મલ્ટિપલ પ્રોસિડિંગ્સવાળા કિસ્સામાં કાયદા મુજબ મહત્તમ ૯૦ દિવસમાં નિર્ણય થશે.
–     રૂપાંતર કર, વિશેષધારો, લોકલ ફંડ, શિક્ષણ ઉપકર વગેરે ઓનલાઇન ઇ-પેમેન્ટથી જ ભરી શકાશે.