ગુજરાતમાં ચાર પ્રાદેશિક સાયન્સ મ્યૂઝિયમોનું નિર્માણ કરાશે

મહેસાણા-69માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમના ભાગ રૂપે બે દિવસ મહેસાણાના મહેમાન બનેલા સીએમ વિજય રુપાણીએ આજે વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ગુજરાત સાયન્સ કાર્નિવલ ૨૦૧૮નું ઉદઘાટન કર્યું હતું. જ્યાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાર ઝોનમાં પાટણ, ભૂજ, વડોદરા અને રાજકોટ ખાતે પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ કરાશે.  જેનો હેતુ સર્જનાત્મક ઇનોવેશન ડિઝાઇન, ડિઝાઇન લેબ. બાયો ટેકનોલોજીના ક્ષેત્રમાં યુવાનો આગળ વધી નવી પેટન્ટોનું નિર્માણ કરે.

ગુજરાત સાયન્સ કાર્નિવલ ૨૦૧૮માં યુવાનોએ વિવિધ ૮૫ વિષયોને આવરી લઇ સુંદર પ્રોજેક્ટ રજૂ કર્યાં છે. સાથે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ સહિત વિજ્ઞાન, ટેકનોલોજી અને આરોગ્યક્ષેત્રના સુંદર કાર્યક્રમ યોજીને સામાજિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

દ્વિદિવસીય સાયન્સ કાર્નિવલમાં ૧૦૦થી પણ વધુ શાળાના સાત હજાર વિદ્યાર્થીઓ વિવિધ ઔદ્યોગિક એકમો તથા કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.એન્જીનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઇનોવેટિવ આઇડીયા મોડેલના રૂપમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

વિવિધ ઇન્ડ્રસ્ટ્રિઝના એન્જીનીયર દ્વારા નવીન સંશોધનો ટેકનોલોજી નમૂના રોબોટીક્સ રજૂ કરવામાં આવ્યા છે . સ્કૂલના વિધાર્થીઓ માટે સાયન્સ ક્વીઝ, લેન ગેમીંગ જેવી પ્રતિયોગીતાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સાંકળચંદ પટેલ વિદ્યાધામ ખાતે લાઇવ વોલ પેઇન્ટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦ ચિત્રકારોએ ભાગ લીઘો હતો. ચિત્રકારોની લાઇવ પેઇન્ટીંગ કળા જોઇને સર્વે મંત્રમુગ્ધ બની ગયા હતા.