820 કરોડના ખર્ચે ભાવનગરમાં બનશે ફોરલેન રોડ, ઉપરાષ્ટ્રપતિએ કર્યો શિલાન્યાસ

ભાવનગર- રાજ્યભરમાં રસ્તાઓને સાંકળી લેવાની યોજના હેઠળ ભાવનગરમાં બનનાર એક રોડ પ્રોજેક્ટના શિલાન્યાસ કાર્યક્રમ સહિતના અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતાં ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુ હાજર રહ્યાં હતાં.તેમની સાથે સીએમ વિજય રુપાણી અને ાયબ સીએમ નિતીન પટેલ સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત હતાં. નાયજુએ અધેલાઇથી નારી વચ્ચેના ૩૩.૩ કિ.મી.ના રૂ. ૮૨૦ કરોડના ખર્ચે બનનાર ફોર ટ્રેક રોડનો શિલાન્યાસ કર્યો હતો.ભાવનગર ખાતે રૂ. ૮૨૦ કરોડના ખર્ચે બનનાર નારી થી અધેલાઇ સુધી બનનાર નેશનલ હાઇવે નંબર ૭૫૧ સેક્શનને ચારમાર્ગીય કરવાના કાર્યનો શિલાન્યાસ કરીને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ ભાવનગરવાસીઓને ગુજરાતીમાં અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક નગરમાં આવવાનો મને અવસર મળ્યો તેનો આનંદ છે.

ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૭-૧૮માં દેશમાં ૯૮૦૦ કિ.મી. રસ્તાઓનું અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૬૦૦૦ કિ.મી. રસ્તાઓનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આગામી વર્ષોમાં દેશના તમામ ગામોને સાંકળી લઇ ૬૦,૦૦૦ કિ.મી. ના ગ્રામીણ માર્ગો બનાવવામાં આવશે. વર્લ્ડ બેંક અને વર્લ્ડ ઇકોનોમીક ફોરમના રીપોર્ટની વિગતો આપી તેમણે જણાવ્યું કે, ભારત શક્તિશાળી દેશ તરીકે વિકાસ કરી રહ્યો છે. આ ચારમાર્ગીય રસ્તાના નિર્માણથી અમદાવાદ-ભાવનગર વચ્ચેનો સંપર્ક વધુ સરળ બનશે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેટમેન્ટ રીજયનનાં વિકાસના કારણે ગતિ પકડાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિશ્રીના હસ્તે મુખ્યમંત્રી ગુહ યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત ૮૫૨ અને મહુવા ખાતેના ૩૩૬ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના લોકો વિકાસને વરેલા છે અને ખૂબ જ પ્રેમાળ છે. તેથી હું ગુજરાતને બહુ જ પસંદ કરું છું તેનો ઉલ્લેખ કરી ઉપરાષ્ટ્રપતિશ્રી એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, ગુજરાતના મહાનગરો નવી દિશા સાથે વિકાસ પામ્યા છે. રોજગારીના નવા અવસરો પણ ખૂલ્યા છે.મુખ્યપ્રધાન રુપાણીએ જણાવ્યું કે, ભાવનગરનો આ ચારમાર્ગીય રસ્તાથી તથા પ્લાસ્ટિક પાર્ક અને જી.આઇ.ડી.સી.માં વધારો કરીને ભાવનગરના વિકાસ માટે સરકાર કૃતનિશ્ચયી છે. ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૫૧ એકર જમીન જી.આઇ.ડી.સી.ને ફાળવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રૂ.૮ હજાર કરોડના રસ્તાઓ સહિત ગુજરાતના રેલ્વે ટ્રાફીકને ધ્યાનમાં લઇ તેને ઓવરબ્રિજથી સાંકળવાનું આયોજન કર્યુ છે. જાન માટે એસ.ટી. બસોની રાહત દરે ફાળવણી તથા મહાનગરોમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ઝૂંબેશ ચલાવી છે.

આ રોડ બનવાથી ભાવનગર-અમદાવાદનુ અંતર ૩૦ કિ.મી. જેટલું ઘટી જશે તેથી આ રોડ પસાર થતા હજારો વાહનોનું કરોડો રૂપિયાનું પેટ્રોલ-ડિઝલ બચી જશે. હવે બગોદરાથી ભાવનગરનો રસ્તો ચારમાર્ગીય બનાવવાની જાહેરાત થઈ હતી. કેન્દ્રીય માર્ગ પરિવહનપ્રધાન માંડવીયાએ જણાવ્યું કે, છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં ૧ લાખ કિ.મી.ના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશમાં રોજના ૮૮ કિ.મી.ના હાઇવે તથા ૧૩૪ કિ.મી.ના ગામડાના રસ્તા રોજ નિર્માણ પામે છે. રોડ, રસ્તા, એરપોર્ટ, પોર્ટ, રેલવેના વિકાસ સાથે ગતિ પ્રગતિ વધે છે તેની રૂપરેખા તેમણે આપી હતી.

ભાવનગરમાં પ્લાસ્ટિક ઉધોગના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી પ્લાસ્ટિક પાર્કની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્લાસ્ટિક ક્ષેત્રે નવા સંશોધનો કરવા માટે ‘સેન્ટ્રલ પ્લાસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપનાની પણ મંજૂરી મળી ગઇ છે તેથી ભાવનગર જિલ્લામાં પ્લાસ્ટિક ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થશે.

આ સાથે ભાવનગરને અમદાવાદને જોડતા રોડની માંગણી હતી તેની આજે શરૂઆત થઇ ચૂકી છે. આચારમાર્ગીય રોડ આર.સી.સી. બનવાનો છે.

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત ભાવનગર ખાતે ૮૫૨ અને મહુવા ખાતે નિર્મિત  ૩૩૬ આવાસોનુ ડિજીટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે કેન્દ્રીય રાજ્યપ્રધાન મનસુખ માંડવીયાના રાજ્યસભાના અનુભવોને આલેખતું ’’ માય જર્ની ઇન પાર્લામેન્ટ ’’ પુસ્તકનું પણ વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]